
રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘મેક ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા તેમજ ‘હર ઘર સ્વદેશી અભિયાન’ અંતર્ગત રેસકોર્સ ગ્રાઉન્ડ પર આગામી તા. 23 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ભવ્ય ‘સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સ્થાનિક સ્તરે તૈયાર થતી ચીજવસ્તુઓને ઉત્તમ બજાર પૂરું પાડવાનો છે.
આ મેળામાં સ્થાનિક સ્વસહાય જૂથો, નાના ઉદ્યોગકારો, કારીગરો, કલાકારો અને ધંધાર્થીઓ પોતાના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરી શકે તે માટે મનપા દ્વારા વિશેષ સ્ટોલ ફાળવવામાં આવશે. જેના માટે રસ ધરાવતા અરજદારો મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ www.rmc.gov.in અથવા પ્રોજેક્ટ શાખા (રૂમ નંબર 6) પરથી અરજી ફોર્મ મેળવી શકશે.
આ ફોર્મ ભરવાની અને જમા કરાવવાની અંતિમ તારીખ તા. 16 ઓક્ટોબર, બપોરે 2:00 વાગ્યા સુધીની રાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક કારીગરો અને નાના ધંધાર્થીઓને સીધું બજાર પૂરું પાડવા માટે આ આયોજન કરાયું છે, ત્યારે વધુમાં વધુ નાગરિકો આ મેળામાં સહભાગી બને તેવી જાહેર અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt