
જુનાગઢ,14 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ અને ઉત્કર્ષમાં અન્નદાતા એટલે કે ખેડૂતોને પણ કેન્દ્રસ્થાને રાખ્યા છે. ખેડૂતોને સીધી આર્થિક સહાય પૂરી પાડતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના સહિત અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને દેશમાં કઠોળ અને ખાદ્યતેલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ અને આત્મનિર્ભર કઠોળ મિશન અમલમાં મૂકવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં પણ આ યોજનાઓ હેઠળ ખેડૂતોને જરૂરી લાભો આપવામાં આવી રહ્યા છે.
આ સંદર્ભે વિગતો આપતાં જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે જણાવ્યું હતું કે, નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ- NMEO અંતર્ગત ૩૫૦૦ ખેડૂતોને મગફળીનું અને ૩૧૦૦ ખેડૂતોને સોયાબીનનું વધુ ઉત્પાદન આપતી સુધારેલી જાતનું બિયારણ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે. આ ગુણવત્તાયુક્ત બિયારણથી ઉત્પાદન વધારી શકાશે. જેના પરિણામે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. ઉપરાંત ખાદ્યતેલના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક સકારાત્મક પગલું પણ બની રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કઠોળના ઉત્પાદનમાં પણ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આત્મનિર્ભર કઠોળ મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં આશરે 4370 ખેડૂતોને ચણા, અડદ અને તુવેરનું બિયારણ વિનામૂલ્યે આપવામાં આવશે. આ માટે ખેડૂતોની અરજીઓ પણ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી 3620 ખેડૂતોને ચણા, 500 ખેડૂતોને અડદ અને 250 ખેડૂતોને તુવેરનું બિયારણ આપવામાં આવશે.
આ બિયારણ પણ ઉચ્ચ ગુણવત્તાવાળી અને સુધારેલી જાતોનું છે. ખેડૂતોને વધુ ઉત્પાદન આપતી તેમજ રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતી કઠોળની સુધારેલી જાતનું બિયારણ આપવામાં આવશે. આ યોજનાના અમલથી દેશમાં કઠોળની વધતી માંગને પહોંચી વળવામાં તેમજ કઠોળની આયાત ઘટાડવામાં મદદ મળશે.
ખેતીવાડી અધિકારી ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતાં ત્યારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ એવી સોઇલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂકી હતી, જે બાદમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ જમીનના નમૂનાનું પૃથક્કરણ કરવામાં આવે છે, જેના આધારે જમીનમાં કયા પોષકતત્ત્વોની ઉણપ છે, કયા પાકનું વાવેતર કરવું યોગ્ય છે તેમજ જમીનની ફળદ્રુપતા અંગેની જરૂરી માહિતી મળી રહે છે.
જૂનાગઢમાં ચાલુ વર્ષે ૨૦૨૬-૨૭માં ખરીફ ઋતુ શરૂ થતા પહેલા 10600 જેટલા નમુના લેવામાં આવ્યા હતા. જેને પૃથક્કરણ માટે સંબંધિત લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા. ત્યારબાદ પ્રાકૃતિક કૃષિને પણ પ્રોત્સાહન મળી રહે અને ખરેખર પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે છે. ત્યારે જમીનમાં સુધારણાની ચકાસણી થાય અને ઓર્ગેનિક કાર્બન કેટલો વધે છે તેનું વિશ્લેષણ કરવા ફક્ત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના નેચરલ ફાર્મિંગ મિશન અંતર્ગત જમીનના નમૂના લેવાનું આયોજન રવિ સિઝન શરૂ થતા પહેલા કરવામાં આવ્યું છે. આ માટે અંદાજિત 42 હજાર જેવા ખેડૂતોના નમૂના લેવાનું આયોજન કર્યું છે. આમ, તેલીબીયા, આત્મનિર્ભર કઠોળ યોજના અને સોઇલ હેલ્થ કાર્ડ યોજના કેન્દ્રના 60 ટકા અને રાજ્યના 40 ટકા નાણાકીય ભાગીદારીથી અમલમાં છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ સુશાસનને ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાન માધ્યમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જે નિમિત્તે જનસેવા અને પ્રજાલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ