
પાટણ, 17 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનાં વિવિધ ગામડાઓમાં છેલ્લા ઘણા દિવસોથી સાંજના સમયે વીજ કાપ ચાલુ રહેતાં ખેડૂતો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વારંવાર વીજ પુરવઠો બંધ થવાથી લોકોની દૈનિક જીવનશૈલી પર અસર પડી રહી છે. આ સમસ્યાને લઈને રોષે ભરાયેલા ખેડૂતો અને સ્થાનિક લોકોએ જંગરાલ સ્થિત GEB કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ વીજ કાપની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી.
વિરોધ દરમિયાન લોકોએ ઢોલ વગાડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને વીજ કાપ બંધ કરાવવા માટે સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે સાંજના સમયે બંધ કરવામાં આવતો વીજ પુરવઠો ફરીથી નિયમિત રીતે શરૂ કરવામાં આવે, જેથી ગામડાઓના લોકોને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે. લોકોએ વીજળી જેવી પાયાની સુવિધા નિયમિત ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી હતી.
ખેડૂતોએ જણાવ્યું હતું કે સાંજના સમયે વીજળી બંધ રહેવાના કારણે બાળકોના અભ્યાસ પર વિપરીત અસર પડે છે. ખાસ કરીને પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, સાંજના જમવાના સમયે વીજળી ન હોવાથી ગૃહિણીઓ સહિત પરિવારના સભ્યોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી ખેડૂતો અને ગ્રામજનોએ તંત્ર સમક્ષ સાંજનો વીજ કાપ તાત્કાલિક બંધ કરી નિયમિત વીજ પુરવઠો શરૂ કરવાની માંગ ઉઠાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ