કલ્ચરલના ગરબામાં છઠ્ઠા નોરતે લોકસંસ્કૃતિની રંગત અને કલાના વૈભવનો અનોખો સંગમ
રાજ્યમંત્રી કૌશિક વેકરિયા સહિત સાહિત્ય અને શિક્ષણજગતના મહાનુભાવોએ માણ્યો ઉત્સવ. ગાંધીનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગર કલ્ચરલ ફોરમના પરંપરાગત નવરાત્રી મહોત્સવમાં છઠ્ઠા નોરતે ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. માતાજીની ભક્તિ, ગુજરાતી લોક
કલ્ચરલના ગરબામાં છઠ્ઠા નોરતે


કલ્ચરલના ગરબામાં છઠ્ઠા નોરતે


કલ્ચરલના ગરબામાં છઠ્ઠા નોરતે


કલ્ચરલના ગરબામાં છઠ્ઠા નોરતે


કલ્ચરલના ગરબામાં છઠ્ઠા નોરતે


કલ્ચરલના ગરબામાં છઠ્ઠા નોરતે


- રાજ્યમંત્રી કૌશિક વેકરિયા સહિત સાહિત્ય અને શિક્ષણજગતના મહાનુભાવોએ માણ્યો ઉત્સવ.

ગાંધીનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગર કલ્ચરલ ફોરમના પરંપરાગત નવરાત્રી મહોત્સવમાં છઠ્ઠા નોરતે ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. માતાજીની ભક્તિ, ગુજરાતી લોકસંસ્કૃતિ અને પરંપરાગત ગરબાના આગવા લય સાથે કલ્ચરલનું વિશાળ ગરબા પ્રાંગણ ઉત્સાહ અને ઉમંગથી છલકાઈ ઊઠ્યું હતું. મધરાત સુધી રાસ-ગરબાની રમઝટ અને મધરાતથી પરોઢ સુધી મંડળી ગરબાની ધમાકેદાર રંગત કલ્ચરલના ગરબાની વિશિષ્ટ ઓળખ બની રહી છે. પરંપરાગત ગરબાની આ આગવી શૈલી માણવા મોટી સંખ્યામાં ઉમટેલા ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઘૂમી નવરાત્રીના છઠ્ઠા નોરતાને યાદગાર બનાવ્યો હતો.

છઠ્ઠા નોરતે ગુજરાત રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર તથા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા કલ્ચરલના ગરબા માણવા પધાર્યા હતા. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના મુખ્ય સરકારી વકીલ હિતેશભાઈ રાવલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાહિત્ય અને શિક્ષણજગતના મહાનુભાવોની ઉપસ્થિતિએ પણ આ સાંજને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણા, સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સેક્રેટરી વરુણ ગુલાટી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા કવિ ભાગ્યેશ જહા, ગુજરાત સાહિત્ય અકાદમીના સચિવ ડૉ. જયેન્દ્રસિંહ જાદવ તથા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના પૂર્વ કુલપતિ ડૉ. ચેતનભાઈ ત્રિવેદી પણ કલ્ચરલના ગરબા માણવા પધાર્યા હતા. મહાનુભાવોએ ગુજરાતી લોકસંસ્કૃતિની જીવંત પરંપરા અને ખેલૈયાઓના ઉત્સાહનો અનુભવ કર્યો હતો.

છઠ્ઠા નોરતાની વિશેષ આકર્ષણરૂપે કલ્ચરલ ફોરમના ગરબા પ્રાંગણમાં કલાત્મક પ્રસ્તુતિઓનો અનોખો અવસર સર્જાયો હતો. ગાંધીનગર જિલ્લા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં રાસની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા ધીરજભાઈ રાઠોડના પ્રારંભ કલાવૃંદના યુવાનોએ 'મણિયારો' રાસની ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ કરી હતી. પરંપરાગત રાસની લય, તાલબદ્ધ હિલોળા અને કલાકારોની સુમેળભરી રજૂઆતથી ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ બની હતી. ગુજરાતી લોકનૃત્યની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરતી આ પ્રસ્તુતિને દર્શકોએ હર્ષોલ્લાસ સાથે વધાવી લીધી હતી.

આ ઉપરાંત પનઘટ કલા કેન્દ્રની નાની-નાની બાળાઓએ પ્રાચીન ગરબા 'રાણો અચીંધો...'ની મનમોહક પ્રસ્તુતિ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કલા મહાકુંભમાં પણ પ્રસ્તુત થયેલો આ ગરબો મૂળ પનઘટ કલા કેન્દ્રનું સર્જન છે. આ વિશિષ્ટ પ્રસ્તુતિએ સોશિયલ મીડિયા પર પણ ભારે લોકપ્રિયતા મેળવી છે અને સેન્સેશન સર્જ્યું છે. નાની બાળાઓની સુંદર રજૂઆતમાં પ્રાચીન ગરબાની પરંપરા, લોકસંગીતની મીઠાશ અને ગુજરાતી સંસ્કૃતિની આગવી ઓળખનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. બંને કલાત્મક પ્રસ્તુતિઓને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટ અને હર્ષોલ્લાસથી વધાવી હતી. આ પ્રસ્તુતિઓએ સાબિત કર્યું હતું કે પરંપરાગત લોકકલા આજે પણ નવી પેઢીને આકર્ષિત કરવાની અને લોકહૃદયમાં સ્થાન મેળવવાની ક્ષમતા ધરાવે છે.

છઠ્ઠા નોરતાની સંગીતમય સાંજને વધુ યાદગાર બનાવતાં ઉત્તર ગુજરાતનાં કોકિલકંઠી ગાયિકા અભિતા પટેલે પોતાના સુમધુર કંઠે ગરબાની રમઝટ બોલાવી હતી. તેમની ઊર્જાસભર ગાયકી અને લોકપ્રિય ગરબાની રજૂઆતથી ખેલૈયાઓમાં નવો ઉત્સાહ સંચારાયો હતો. સંગીતના સૂર અને તાલ સાથે પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઘૂમીને સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવ્યું હતું. મધરાત સુધી રાસ-ગરબાની રંગત જામી રહી હતી અને ત્યારબાદ મંડળી ગરબાની પરંપરાએ ખેલૈયાઓને પરોઢ સુધી લોકસંસ્કૃતિના તાલે જોડાયેલા રાખ્યા હતા.

નવરાત્રીના છઠ્ઠા નોરતે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં પણ ખેલૈયાઓએ પોતાની પ્રતિભા, નૃત્યકૌશલ્ય અને આકર્ષક પોશાકથી ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ તરીકે નંદીની પટેલ અને બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સ તરીકે હર્ષિલ ત્રિવેદી વિજેતા બન્યાં હતાં. બેસ્ટ પેર કેટેગરીમાં જીનલ દખણી અને રેવા ઠક્કરની જોડીએ વિજય મેળવ્યો હતો. જ્યારે બેસ્ટ ક્વીન તરીકે અંકિતા પટેલ અને બેસ્ટ કિંગ તરીકે નિશાંત ચાવડા વિજેતા જાહેર થયાં હતાં. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે શિલ્પા ગોહિલ અને બેસ્ટ ડ્રેસ પ્રિન્સ તરીકે પ્રેમ શાહ વિજેતા બન્યાં હતાં.

ટીનેજર કેટેગરીમાં દિશા શર્મા બેસ્ટ ટીનેજર ગર્લ અને શૌર્ય ગજ્જર બેસ્ટ ટીનેજર બોય તરીકે વિજેતા થયાં હતાં. બેસ્ટ કીડ કેટેગરીમાં હેતાર્થીબા મોડ અને મંથન સોની, જ્યારે બેસ્ટ ચાઇલ્ડ કેટેગરીમાં આર્વી પટેલ અને જીયાન્સ ડોડીયા વિજેતા બન્યાં હતાં. તમામ વિજેતા ખેલૈયાઓને તેમની સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.

આમ, ગાંધીનગર કલ્ચરલ ફોરમના નવરાત્રી મહોત્સવના છઠ્ઠા નોરતે ભક્તિ, લોકસંગીત, પરંપરાગત રાસ-ગરબા અને કલાત્મક પ્રસ્તુતિઓનો અદભુત સંગમ સર્જાયો હતો. રાજ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ, પ્રારંભ કલાવૃંદનો 'મણિયારો' રાસ, પનઘટ કલા કેન્દ્રની બાળાઓનો 'રાણો અચીંધો...' ગરબો અને અભિતા પટેલની સુમધુર ગાયકી આ રાત્રિનાં મુખ્ય આકર્ષણો રહ્યાં હતાં. ત્રણ દાયકાથી વધુ સમયથી ગુજરાતી લોકસંસ્કૃતિનું જતન કરતી કલ્ચરલ ફોરમની નવરાત્રી માત્ર ઉત્સવ નહીં, પરંતુ પરંપરાગત કલા, નવી પેઢીની પ્રતિભા અને સામૂહિક સાંસ્કૃતિક ચેતનાને એક મંચ પર લાવતી જીવંત પરંપરા બની રહી છે. છઠ્ઠા નોરતાની આ રંગતથી આગામી નોરતાઓ માટે પણ ખેલૈયાઓ અને ગરબાપ્રેમીઓમાં ઉત્સાહનો નવો સંચાર થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande