

- 2,736 ક્વાર્ટર અને 96 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કાર કબજે.- ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે પ્રોહિબિશનનો નોંધપાત્ર કેસ નોંધ્યો.
કચ્છ, 17 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીધામ પૂર્વ કચ્છમાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના પ્રયાસો વચ્ચે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શહેરના ઓશિયા મોલની પાછળના વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલી ક્રેટા કાર કબજે કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીમાં દારૂ અને વાહન સહિત કુલ રૂ. 12,37,280ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કર્મચારીઓને ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે ઓશિયા મોલની પાછળના ભાગે તપાસ હાથ ધરવામાં આવતાં સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે વાહન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં 180 મિલીલીટરના પ્લાસ્ટિકના કંપની સીલબંધ 2,736 ક્વાર્ટરનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 3,83,040 આંકવામાં આવી છે. આ ઉપરાંત 750 મિલીલીટરની કાચની કંપની સીલબંધ 96 બોટલ, જેની કિંમત રૂ. 54,240 થાય છે, તે પણ કબજે કરવામાં આવી છે. દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલી જીજે-01-ડબલ્યુબી-5821 નંબરની સફેદ ક્રેટા કારની કિંમત રૂ. 8 લાખ ગણવામાં આવી છે.
આ મામલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 11993006261324/2026 હેઠળ ગુજરાત પ્રોહિબિશન સંબંધિત કલમ 65(એ)(ઈ), 116(બી) અને 98(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. કારના માલિક અને ચાલક સહિત તપાસમાં જે હકીકતો સામે આવશે તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરફેર સામે પોલીસની સતર્કતા ફરી ઉજાગર થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar