
- અબડાસાના સમંડા ગામે ધાર્મિક માહોલમાં પાટોત્સવની ઉજવણી; ભોજન પ્રસાદ સાથે સેવાભાવી દાતાઓ અને કાર્યકરોના યોગદાનને બિરદાવાયું.
કચ્છ, 17 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના સમંડા ગામે શ્રી રામીમાંના ગોગા મહારાજના પવિત્ર સ્થાનકે ગુરુવાર, તા. 15 ઓક્ટોબર, 2026ના રોજ પાંચમના શુભ અવસરે પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભક્તોએ ગોગા મહારાજનાં દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. સમગ્ર સ્થળ ભક્તિ, શ્રદ્ધા અને ધાર્મિક આસ્થાના રંગે રંગાયું હતું.
પાટોત્સવના કાર્યક્રમની શરૂઆત સાંજે છ વાગ્યે યોજાયેલી ભવ્ય મહાઆરતીથી થઈ હતી. આરતીના પવિત્ર માહોલમાં ઉપસ્થિત ભક્તોએ સામૂહિક રીતે ગોગા મહારાજની આરાધના કરી હતી. ત્યારબાદ રાત્રિના સમયે પરંપરાગત ધાર્મિક રમેલ અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીગર ભુવાજીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પાટોત્સવમાં પધારેલા શ્રદ્ધાળુઓ માટે ભોજન સમારંભની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે સૌએ સાથે મળીને પ્રસાદનો લાભ લીધો હતો.
આયોજનને સફળ બનાવવા માટે અનેક સેવાભાવી વ્યક્તિઓ, યુવાનો અને કાર્યકરોએ પોતાનું યોગદાન આપ્યું હતું. કાર્યક્રમ અંગે માહિતી આપતાં દેશલપર-ગુંતલીના શિવ શક્તિ હેર સલૂન સાથે સંકળાયેલા દલપત રાણવાએ તમામ સહયોગીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
તેમણે દીપક રાણવા સોઢા, વિજય રાણવા, મહિપતસિંહ, કિરીટ ભટ્ટી, જીગર રાઠોડ, પ્રજ્ઞેશ રાઠોડ, વાળંદ યુવક મંડળ નખત્રાણાના સભ્યો તથા લાઇટિંગ અને ફિટિંગની સેવા આપનાર ભરત આહીર સહિતના તમામ સહયોગીઓના યોગદાનને બિરદાવ્યું હતું. ભોજન સમારંભમાં સહયોગ આપનાર દાતા સોની ઉમંગનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. રાજેશભાઈ ભાવાણી ઐયર સહિતના સેવાભાવી મિત્રો અને ભક્તજનોના સહકારથી સમગ્ર આયોજન સુચારુ રીતે સંપન્ન થયું હતું.
અંતમાં આયોજકો દ્વારા તમામ દાતાઓ, કાર્યકરો અને ઉપસ્થિત ભક્તજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શ્રી ગોગા મહારાજ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલી અર્પે તેવી પ્રાર્થના સાથે પાટોત્સવની ઉજવણી પૂર્ણ થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar