પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં ગુજરાતની 7મી એન-જેન પોસ્ટ ઓફિસ શરૂ
પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કેમ્પસ ખાતે 23 ઓક્ટોબરના રોજ પાટણની પ્રથમ અને ગુજરાતની 7મી નેક્સ્ટ-જનરેશન (એન-જેન) થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટ
પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં ગુજરાતની 7મી એન-જેન પોસ્ટ ઓફિસ શરૂ


પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કેમ્પસ ખાતે 23 ઓક્ટોબરના રોજ પાટણની પ્રથમ અને ગુજરાતની 7મી નેક્સ્ટ-જનરેશન (એન-જેન) થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કિશોર સી. પોરિયા અને રજિસ્ટ્રાર ડૉ. આર. એન. દેસાઈના હસ્તે તકતી અનાવરણ અને રિબીન કાપીને નવી શાખાનો પ્રારંભ કરાયો હતો.

આધુનિક સુવિધાઓથી સજ્જ આ પોસ્ટ ઓફિસમાં પરંપરાગત ટપાલ સેવાઓની સાથે વાઇ-ફાઇ, કાફેટેરિયા, મિની લાઇબ્રેરી, બેઠક વ્યવસ્થા, યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટ અને ઇન્ડોર ગેમ્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટ અને પાર્સલ સેવાઓ પર 10 ટકા છૂટ પણ આપવામાં આવશે.

આ શાખામાં જ્ઞાન પોસ્ટ, આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ, ફિલેટેલી, બચત ખાતાં, પોસ્ટલ જીવન વીમા, આધાર સંબંધિત સેવાઓ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઈપીપીબી) સહિતની સેવાઓ મળશે. આ પહેલથી વિદ્યાર્થીઓ, સંશોધકો અને પરિષદોમાં ભાગ લેવા આવતા પ્રતિનિધિઓને શૈક્ષણિક સામગ્રી દેશ-વિદેશમાં મોકલવામાં સરળતા રહેશે.

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કિશોર સી. પોરિયા અને રજિસ્ટ્રાર ડૉ. આર. એન. દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષ 1986થી કાર્યરત યુનિવર્સિટી કેમ્પસમાં ટેક્નોલોજી આધારિત ટપાલ સેવાઓ શરૂ થવાથી વિદ્યાર્થીઓને વધુ સુવિધા મળશે. પાટણ મંડળના અધિક્ષક આર. એ. ગોસ્વામીએ સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ ઝડપી અને સુલભ સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે પોસ્ટ ઓફિસના નવીનીકરણ અને ડિઝાઇનમાં યોગદાન બદલ પ્રોફેસર મયૂર કુમાર બી. પ્રજાપતિ, પ્રોફેસર અભી શાહ, પ્રોફેસર ભાવિક પટેલ અને પ્રોફેસર મનીષા શર્માનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં સહાયક નિદેશક વી. એમ. વ્હોરા, આઈપીપીબી મેનેજર વિષ્ણુ વર્ધન, સહાયક અધિક્ષક કે. બાલાસુબ્રમણ્યમ, નિરીક્ષક શાહનવાઝ ઘાંચી, નેહલ પટેલ, જિતેન્દ્ર અડાલિયા, પોસ્ટમાસ્ટર આર. એલ. પટેલ સહિત અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande