
સુરત, 23 ઓક્ટોબર (હિ.સ.): સુરતના કામરેજના નેત્રંગ વિસ્તારમાં સસ્તા ભાવે રહેણાંક પ્લોટ અપાવવાની લાલચ આપીને 17 લોકો પાસેથી કુલ રૂ. 1.04 કરોડ વસૂલવાની ઘટના સામે આવી છે. જમીનમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી ખાતરી આપી બે સગા ભાઈઓએ રોકાણકારોનો વિશ્વાસ જીત્યો હતો. આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે બંને સામે છેતરપિંડી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, અડાજણમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત હીરા વેપારી ભૂપેન્દ્રકુમાર શાહને વર્ષ 2019માં જમીનમાં રોકાણ કરવાની તક હોવાનું જણાવી કામરેજના નેત્રંગ ખાતેની જમીનમાં બનેલી વીર રેસિડન્સી સોસાયટીના પ્લોટ ખરીદવાની ઓફર કરવામાં આવી હતી. તેમણે પરિવાર સાથે મળીને 25 પ્લોટ ખરીદવાનું નક્કી કરી રૂ. 26.50 લાખ ચૂકવ્યા હતા. તેમના સંપર્કથી અન્ય 16 સગાં-સંબંધીઓ અને પરિચિતોએ પણ પ્લોટ મેળવવા માટે રૂ. 77.80 લાખ આપ્યા હતા.
રકમ ચૂકવ્યા બાદ પણ રોકાણકારોને પ્લોટના દસ્તાવેજો કે કબજો મળ્યો ન હોવાનો આક્ષેપ છે. નાણાં પરત અથવા દસ્તાવેજોની માંગણી કરતાં આરોપીઓએ બહાનાં કાઢ્યાં હતાં. ત્યારબાદ પ્લોટ અંગે વિવાદ વધતાં ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે દિલીપ હરીલાલ શાહ (69)ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપી પરેશ હરીલાલ શાહની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે