
ભાવનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : પાલિતાણા સ્થિત સતુઆબાબા આશ્રમ ખાતે શરદપૂનમ નિમિત્તે દૂધપાકના ભોજન સાથે આંખના દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અમરેલી સ્થિત સુદર્શન નેત્રાલયના સહયોગથી યોજાયેલા આ નેત્રયજ્ઞમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.
શ્રી કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા દ્વારા પ્રમુખ ગિરિશભાઈ ગોધાણીના નેતૃત્વમાં આ સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાનુભાઈ વાઘાણી, ગોરધનભાઈ બલર, ઘનશ્યામભાઈ શિહોરા, ગણેશભાઈ રવાણી અને અતુલભાઈ પંડયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નેત્રયજ્ઞ દરમિયાન કુલ ૧૯૮ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ૧૧૬ દર્દીઓને મોતિયાની તકલીફ હોવાનું જણાયું હતું, જ્યારે પાંચ દર્દીઓને વેલની સમસ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત અગાઉ યોજાયેલા નેત્રયજ્ઞમાં આંખોની તપાસ કરાવનારા ૧૯૨ દર્દીઓ પણ વધુ તપાસ અને સારવારના હેતુથી ઉપસ્થિત રહ્યા હતા.
આ સેવાકીય કાર્યના આયોજનમાં ચંદ્રકાંતભાઈ વંકાણી અને અન્ય કાર્યકર્તાઓએ સંકલન કર્યું હતું. વિજયભાઈ ગોટી, જેરામભાઈ સાંકડાસરિયા, પ્રવિણભાઈ ગોધાણી, ભોળાભાઈ જીવાણી, સંજયભાઈ કાંત્રોડિયા, ભાવશંગભાઈ મોરી, દાનજીભાઈ કુવાડિયા, રાજેન્દ્રસિંહ વાળા, ભગવાનભાઈ ખાંભલ્યા, ચેતનભાઈ ડાભી અને કિર્તીભાઈ રામાનુજ સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા.
શરદપૂનમના પર્વે ધાર્મિક ભાવના સાથે આરોગ્યસેવાનું સંકલન કરીને યોજાયેલા આ નેત્રયજ્ઞથી જરૂરિયાતમંદ દર્દીઓને આંખની તપાસ અને સારવાર માટે મહત્વપૂર્ણ સુવિધા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA