
પાટણ, 25 ઓક્ટોબર (હિ.સ.) : રાધનપુર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા લઘુમતી મોરચા દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવો, બુથ સ્તરે કાર્યકર્તાઓની સક્રિયતા વધારવી અને પક્ષની કામગીરીને વેગ આપવાનો હતો. બેઠક દરમિયાન સંગઠનાત્મક પ્રવૃત્તિઓ, કાર્યકર્તાઓ વચ્ચે સંકલન અને પક્ષની કામગીરી જનતા સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ જાવેદખાન પઠાણ, મહામંત્રી શાહિદખાન પઠાણ અને ઇમરાનભાઈ ઘાંચી, ઉપપ્રમુખ મુજાહિદખાન ઠેબા, પૂર્વ કારોબારી સભ્ય ઈસુબા મલેક, પૂર્વ કોર્પોરેટર રહેમાનભાઈ ઘાંચી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેર ભાજપના ઉપપ્રમુખ કાંતિભાઈ નાઈ, મહામંત્રી નરેશભાઈ બારોટ, શહેર યુવા મોરચાના પ્રમુખ ભરતભાઈ ભરવાડ, શહેર લઘુમતી મોરચાના પ્રમુખ રફીકભાઈ ઘાંચી અને બાંધકામ સમિતિના ચેરમેન ગુલામ રસુલભાઈ સહિતના હોદ્દેદારો તથા નગરપાલિકાના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી.
ટિફિન બેઠક દરમિયાન ભાજપના વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સાથે મળીને સંગઠનાત્મક કામગીરી અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. પક્ષના કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવા, બુથ સ્તરે કાર્યકર્તાઓની ભાગીદારી વધારવા અને જનસંપર્કને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકના માધ્યમથી કાર્યકર્તાઓ વચ્ચે પરસ્પર સંકલન વધે અને સંગઠનની કામગીરીને વધુ સક્રિય બનાવી શકાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ