
- 27 ઑક્ટોબર, 2026થી સુવિધા લાગુ થશે; ડિજિટલ ચુકવણી અને મોબાઇલ નંબર ફરજિયાત.
ભાવનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : ભારતીય રેલવે દ્વારા હાલની વૈકલ્પિક મુસાફરી વીમા યોજનાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત 27 ઑક્ટોબર, 2026થી સમગ્ર ભારતીય રેલવે નેટવર્કમાં પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ) કાઉન્ટર પરથી આરક્ષિત ટિકિટ બુક કરાવનારા મુસાફરોને પણ આ સુવિધા ઉપલબ્ધ થશે. અત્યાર સુધી આ યોજના આઈઆરસીટીસી દ્વારા ઈ-ટિકિટ બુક કરાવનારા મુસાફરો માટે ઉપલબ્ધ હતી, જે હવે રેલવે આરક્ષણ કાઉન્ટર પરથી આરક્ષિત ટિકિટ ખરીદનારા પાત્ર મુસાફરો માટે પણ લાગુ થશે. પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક (PCCM-WR) તરુણ જૈનના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં મુસાફરોને આ સુવિધાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે વીમાની સુવિધા સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે. આ સુવિધા માત્ર એવા મુસાફરોને જ મળશે, જેઓ વીમાનો વિકલ્પ પસંદ કરશે, પોતાનો મોબાઇલ નંબર આપશે અને ડિજિટલ માધ્યમથી ચુકવણી કરશે. વીમાનું પ્રીમિયમ ટિકિટ ભાડા સાથે લેવામાં આવશે અને ટિકિટ ભાડું તથા પ્રીમિયમ બંનેની ચુકવણી માત્ર ડિજિટલ માધ્યમથી જ કરવાની રહેશે.
લાગુ નિયમો અને શરતો અનુસાર, તમામ કર સહિત વીમાનું પ્રીમિયમ પ્રતિ મુસાફર માત્ર 45 પૈસા છે. આ યોજના માત્ર ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ છે, જેમની ટિકિટ બુકિંગ સમયે કન્ફર્મ, આરએસી અથવા આંશિક રીતે કન્ફર્મ હોય. વીમાનો વિકલ્પ પસંદ કરવામાં આવે ત્યારે એક જ પીએનઆર હેઠળ બુક કરાયેલા તમામ પાત્ર મુસાફરોને વીમાનું કવર મળશે. પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં જે બાળકોની ટિકિટ બર્થ/સીટ વિના બુક કરવામાં આવી હોય, તેઓ વીમા હેઠળ આવરી લેવામાં આવશે નહીં. જ્યારે પાંચથી અગિયાર વર્ષની ઉંમરનાં બાળકો બર્થ સાથે અથવા બર્થ વિના પણ આ વીમા માટે પાત્ર રહેશે.
પૉલિસી હેઠળ આવરી લેવાયેલી રેલવે દુર્ઘટના અથવા અપ્રિય ઘટનાના કિસ્સામાં મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ દિવ્યાંગતા માટે ₹10 લાખ, કાયમી આંશિક દિવ્યાંગતા માટે ₹7.50 લાખ સુધી અને ઇજાને કારણે હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર કરાવવાના ખર્ચ માટે ₹2 લાખ સુધીનું વીમા કવર આપવામાં આવે છે. પૉલિસીના નિયમો અને શરતોને આધીન મૃતદેહના પરિવહન માટે ₹10,000નો લાભ પણ આપવામાં આવે છે.
મુસાફરોને મુસાફરી વીમા અંગે પોતાનો વિકલ્પ પસંદ કરવાની સુવિધા આપવા માટે આરક્ષણ માંગણી ફોર્મમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારેલું ફોર્મ પશ્ચિમ રેલવેના તમામ પીઆરએસ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કેન્દ્રો પર મુસાફરોને વીમા સુવિધા તેમજ તેના માટે ડિજિટલ ચુકવણી અને મોબાઇલ નંબરની આવશ્યકતા અંગે માહિતી આપવા માટે ઉદ્ઘોષણાઓ પણ કરવામાં આવશે. આરક્ષણ કર્મચારીઓ મુસાફરોને વીમાનો વિકલ્પ પસંદ કરવા અને નિર્ધારિત પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપશે.
વીમા પૉલિસીની વિગતો મુસાફરના નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. મુસાફરોએ ટિકિટ બુકિંગ બાદ મળતી લિંકનો ઉપયોગ કરીને વીમા કંપનીની વેબસાઇટ પર નામાકન સંબંધિત વિગતો ભરવાની રહેશે. મૃત્યુ સંબંધિત દાવાઓની ચુકવણી જાહેર કરાયેલા નોમિનીને કરવામાં આવશે. જો નોમિનીની વિગતો નોંધાવવામાં આવી ન હોય, તો કાયદેસરના વારસદાર પ્રમાણપત્ર અથવા ઉત્તરાધિકાર પ્રમાણપત્રના આધારે કાયદેસરના વારસદારોને વળતરની ચુકવણી કરવામાં આવશે. આ યોજનાના હાલના નિયમો અને શરતો પીઆરએસ કાઉન્ટર પરથી કરવામાં આવેલા બુકિંગ પર પણ લાગુ પડશે. વીમા પૉલિસી જારી કરવાની અને દાવાઓના નિકાલની જવાબદારી સંબંધિત વીમા કંપનીની રહેશે.
આ સુવિધાનો લાભ લેવા ઇચ્છુક મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સુધારેલા આરક્ષણ માંગણી ફોર્મમાં વીમા માટેનો પોતાનો વિકલ્પ સ્પષ્ટપણે દર્શાવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ