

પાટણ, 25 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસે બાતમીના આધારે શંખેશ્વર-દસાડા હાઈવે પર નાકાબંધી દરમિયાન એક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 6,108 બોટલો ઝડપી પાડી હતી. દારૂની કિંમત ₹12.12 લાખ આંકવામાં આવી છે. પોલીસે બસ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹22.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બસ રોકવામાં આવતાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલો એક શખ્સ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે બસચાલક બીજારામ ઓમારામ લાભુરામ ચૌધરી (ઉંમર 30 વર્ષ, રહે. જોધપુર)ને પકડી પાડ્યો હતો. બસમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસની પૂછપરછમાં આ દારૂનો જથ્થો કિશનસિંહ દીપસિંહ ગોગાદેવ (રહે. જોધપુર)એ બસમાં ભરાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ફરાર થયેલો શખ્સ ધર્મપાલસિંહ કેસરસિંહ રાઠોડ (રહે. બાડમેર) હોવાનું જાણવા મળ્યું હતું. દારૂનો જથ્થો ગાંધીધામ પહોંચાડવાનો હતો.
આ મામલે પકડાયેલા બસચાલક, ફરાર શખ્સ, દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનાર સહિત કુલ 4 આરોપીઓ સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ