ચંદની પડવાની ઉજવણીમાં ઘારીની બોલબાલા: સુરતમાં 200 ટન વેચાણનો અંદાજ
સુરતી, 25 ઓક્ટોબર (હિ.સ.) : સુરતીઓના મનપસંદ તહેવાર ચંદની પડવાની તૈયારીઓ શહેરમાં પૂરજોશમાં ચાલી રહી છે. આ પર્વ પર ઘારી અને ભૂસાની મિજબાની માણવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સુરતમાં અંદાજે 200 ટન ઘારીનું વેચાણ થવાની અને તેનો વે
Chandni Padva Celebrations


સુરતી, 25 ઓક્ટોબર (હિ.સ.) : સુરતીઓના મનપસંદ તહેવાર ચંદની પડવાની તૈયારીઓ શહેરમાં પૂરજોશમાં ચાલી રહી છે. આ પર્વ પર ઘારી અને ભૂસાની મિજબાની માણવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સુરતમાં અંદાજે 200 ટન ઘારીનું વેચાણ થવાની અને તેનો વેપાર ₹18 કરોડને પાર પહોંચવાની શક્યતા છે. બદલાતા સમય સાથે પરંપરાગત માવા, બદામ-પિસ્તા અને કેસરની ઘારીની સાથે યુવા પેઢીને આકર્ષવા માટે કુનાફા, બ્લૂબેરી, સ્ટ્રોબેરી, સ્વિસ ચોકલેટ નટ્સ અને ચીકુ ચોકલેટ જેવા નવા ફ્લેવર્સ પણ બજારમાં રજૂ કરવામાં આવ્યા છે.

કાચા માલના ભાવમાં વધારો થતાં આ વર્ષે ઘારીના ભાવમાં પ્રતિ કિલો આશરે ₹100નો વધારો નોંધાયો છે. સામાન્ય માવા ઘારીનો ભાવ લગભગ ₹900 પ્રતિ કિલો છે, જ્યારે ખાસ ડ્રાયફ્રૂટ્સ અને કેસરવાળી ઘારી ₹1,100થી ₹1,200 સુધી વેચાઈ રહી છે. કુનાફા જેવી પ્રીમિયમ ઘારીનો ભાવ ₹1,200થી શરૂ થઈને કેટલીક વિશેષ વેરાયટીમાં ₹1,300 પ્રતિ કિલો સુધી પહોંચે છે. સુમુલ ડેરીએ અંદાજે 85,000 કિલો અને ખાનગી મીઠાઈ ઉત્પાદકોએ આશરે 90,000 કિલો કે તેથી વધુ ઘારી તૈયાર કરી છે. બીજી તરફ, આરોગ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકોને ધ્યાનમાં રાખીને 5,500 કિલોથી વધુ સુગર-ફ્રી ઘારીના વેચાણનો પણ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

સુરતી ઘારી તૈયાર કરવાની પ્રક્રિયામાં પરંપરાગત કારીગરી અને સમયનું વિશેષ મહત્ત્વ છે. સૌપ્રથમ માવામાં બદામ, પિસ્તા, કેસર અને અન્ય સુગંધિત સામગ્રી ભેળવીને મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ મેંદાની પાતળી પૂરીમાં આ મિશ્રણ ભરીને ઘારીને આકાર આપવામાં આવે છે અને શુદ્ધ ઘીમાં ધીમા તાપે તળવામાં આવે છે. ઠંડી થયા બાદ તેના પર ઘીનું ખાસ પડ ચઢાવવામાં આવે છે. સુરતી ઘારીની લોકપ્રિયતા હવે વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી પણ પહોંચી છે, જેના કારણે અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ તેની માંગ રહે છે. લાંબા અંતર સુધી મોકલવા માટે ખાસ પેકેજિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ઘારીની ગુણવત્તા જાળવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande