ફ્લિપકાર્ટના પાર્સલની ચોરીનો ભેદ ઉકેલાયો: ભાવનગર એલસીબીએ 4.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ભાવનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : ફ્લિપકાર્ટના પાર્સલની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂ. 4,60,512ની કિંમતનો મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સુરત ખાતે ફ્લિપકાર્ટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકર
પકડાયેલ આરોપી


ભાવનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : ફ્લિપકાર્ટના પાર્સલની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂ. 4,60,512ની કિંમતનો મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સુરત ખાતે ફ્લિપકાર્ટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હોવાનું અને 15 દિવસ પહેલાં પાર્સલની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ભાવનગર એલસીબીનો પોલીસ સ્ટાફ વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓના શકમંદોની તપાસમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે મોતીબાગ રોડ પર ગંગાજળીયા તળાવની પાળ પાસે એક ઇસમ બિલ કે આધાર પુરાવા વગર મોબાઇલ ફોન સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતાં આરોપી પાસેથી વિવિધ ચીજવસ્તુઓ મળી આવી હતી. મુદ્દામાલ અંગે બિલ કે આધાર પુરાવા માંગતાં આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.

પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરી આરોપી ઋત્વિક વિનુભાઈ મકવાણા (26), રહે. આખલોલ જકાતનાકા, હુસૈની ચોક, ભાવનગરની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછ દરમિયાન તેણે સુરત ખાતે ફ્લિપકાર્ટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હોવાનું અને પાર્સલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં વિવિધ કંપનીના મોબાઇલ ફોન, એપલ એરબડ્સ, બ્લૂટૂથ, સ્માર્ટ વોચ, કાંડા ઘડિયાળ, પરફ્યુમ, કપડાં સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. કુલ રૂ. 4,60,512નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ મામલે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને ગંગાજળીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande