
- ગાંધીધામ એ-ડિવિઝન પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીથી ગણતરીના સમયમાં બાળકીના વાલીવારસને શોધી કાઢી સુરક્ષિત રીતે સોંપવામાં આવી
કચ્છ, 25 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છમાં ગુમ થયેલા બાળકોને શોધી તેમના પરિવાર સુધી પહોંચાડવાના પ્રયાસોના ભાગરૂપે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ‘ઓપરેશન મુસ્કાન’ હેઠળ સરાહનીય કામગીરી કરી છે. ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં આવેલા પાણીના ટાંકા નજીકની શાકભાજી માર્કેટ પાસેથી મળી આવેલી એક નાની બાળકીના પરિવારને ગણતરીના સમયમાં શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી બાળકીને તેના પિતાને સોંપવામાં આવતાં પરિવાર સાથે તેનો પુનઃમિલાપ થયો હતો.
પોલીસને મળેલી માહિતી મુજબ, પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ, ભુજ-કચ્છ, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા ‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત ગુમ થયેલા અને અપહરણના કિસ્સાઓમાં શોધખોળ કરીને બાળકોને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.
આ દરમિયાન સુંદરપુરી પાણીના ટાંકા પાસે આવેલી શાકભાજી માર્કેટ નજીક એક નાની બાળકી પોલીસના ધ્યાને આવી હતી. પોલીસ કર્મચારીઓએ બાળકીને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન પહોંચાડી હતી. ત્યાં મહિલા પોલીસ કર્મચારીએ બાળકીને હૂંફ અને સાંત્વના આપીને વિશ્વાસમાં લીધી હતી. પૂછપરછ દરમિયાન બાળકીનું નામ સમીરા અને તેના પિતાનું નામ ફરમાનભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
બાળકીની ઓળખ અને તેના પરિવાર સુધી પહોંચવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડે તાબાના પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યાં હતાં. પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક શોધખોળ શરૂ કરતાં બાળકીના પિતા ફરમાન બહારમિયા કુરેશી, રહે. તૈયબા મસ્જિદ પાસે, નવી સુંદરપુરી, ગાંધીધામનો સંપર્ક સ્થાપિત કરવામાં સફળતા મળી હતી.
આમ, પોલીસની ઝડપી કાર્યવાહીથી બાળકીના પરિવારને શોધી કાઢી તેને વાલીવારસને સોંપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
‘ઓપરેશન મુસ્કાન’ હેઠળ થયેલી આ કામગીરીથી ગુમ થયેલાં બાળકોને શોધી પરિવાર સાથે મિલન કરાવવાની પોલીસની પ્રતિબદ્ધતા ફરી ઉજાગર થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar