
કચ્છ, 25 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીધામમાં બળાત્કાર અને ધમકીના ગંભીર ગુનામાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં બે આરોપીઓને ભુજ તાલુકાના કોટડા રેહા ખાતેથી ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ફરિયાદીનો અશ્લીલ વીડિયો બનાવી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ છે.
આ ગુનો 22 ઓક્ટોબર, 2026ના રોજ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 69, 351(3) અને 54 હેઠળ નોંધાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા આરોપીઓને સત્વરે ઝડપી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડે સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી હતી. માનવ બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં બંને આરોપીઓને કોટડા રેહા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે ઝડપેલા આરોપીઓમાં ગોવિંદ રામુભાઈ કુંવરીયા (37 વર્ષ), રહે. સથવારા વાસ, કોટડા ઉગમણા, કોટડા રેહા, ભુજ અને પ્રવીણ જયંતીભાઈ દેવીપૂજક (20 વર્ષ), રહે. હેમલાઈ ફળિયું, અંજારનો સમાવેશ થાય છે.
આ કામગીરી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એચ. ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar