તળાજા નજીક કારમાંથી 10.90 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, બે આરોપી પકડાયા
ભાવનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,391 બોટલ અને બિયરના 96 ટીન સહિત કુલ 10,90,495 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ
પકડાયેલ આરોપી


ભાવનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,391 બોટલ અને બિયરના 96 ટીન સહિત કુલ 10,90,495 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર એલસીબીનો પોલીસ સ્ટાફ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સફેદ રંગની ટાટા હેરિયર કાર નંબર GJ-04-DA-2840માં વિદેશી દારૂનો જથ્થો ભરી દિહોરથી ટીમાણા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબી અને તળાજા પોલીસની ટીમે વોચ ગોઠવી કારને ઝડપી પાડી હતી. કારની તપાસ દરમિયાન વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યાં હતાં.

પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના વોઢા ગામના ડુંગરપુરી ઉર્ફે સુંદર રાવતપુરી ગૌસ્વામી (23) અને બાગોડા તાલુકાના મોરસીમ ગામના નપારામ માનારામ માલી (22)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે 3,85,495 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયર, 7 લાખ રૂપિયાની ટાટા હેરિયર કાર તથા 5,000 રૂપિયાનો આઇફોન સહિત કુલ 10,90,495 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપી ડુંગરપુરી સામે અગાઉ સુરેન્દ્રનગરના સાયલા અને સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ હોવાનું પોલીસની માહિતીમાં જણાવાયું છે.

આ મામલે તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande