

પાટણ, 26 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામના એક જ પરિવારના 12 સભ્યોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં ચકચાર મચી ગઈ છે. પરિવારના સભ્યોએ રાધનપુરમાં એક લારી પર ભેળ, પાણીપુરી અને ફાસ્ટફૂડ ખાધા બાદ થોડા સમયમાં ઝાડા, ઊલટી અને તાવની તકલીફ શરૂ થઈ હતી. ત્યારબાદ તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, 12 દર્દીઓમાંથી 8ને રાધનપુરની હિમજા ક્લિનિકમાં સારવાર આપવામાં આવી હતી, જ્યારે અન્ય 4ને બીજા ચિકિત્સાલયમાં ખસેડવામાં આવ્યા હતા. હિમજા ક્લિનિકના તબીબ નીતિન ઠક્કરના જણાવ્યા અનુસાર, તમામ દર્દીઓને સમયસર સારવાર આપવામાં આવી છે અને હાલ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
આ ઘટનાને પગલે રાધનપુરમાં રસ્તા પર લારીઓ પર વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સામે સવાલો ઊભા થયા છે. ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવે છે કે નહીં અને લારી-ગલ્લા ધારકો સ્વચ્છતાના નિયમોનું પાલન કરે છે કે નહીં તે અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
હાલ ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ અને કયા ખાદ્ય પદાર્થના સેવનથી દર્દીઓની તબિયત બગડી તે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ