
ગીર સોમનાથ, 26 ઓક્ટોબર (હિ.સ.) : વેરાવળ શહેરમાં સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક કારીગરો, મહિલા સ્વ-સહાય જૂથો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી વેરાવળના કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ની થીમ સાથે યોજાયેલા સ્વદેશી મેળાને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલે આજે ખૂલ્લો મૂક્યો હતો.
તા. ૨૬ ઓક્ટોબરથી તા.૪ નવેમ્બર સુધી યોજાનારા આ મેળો બપોરના ૨ કલાક થી રાત્રીના ૧૨ કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. મેળામાં નાગરિકોને સ્થાનિક સ્તરે ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરવાની સાથે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની તક મળશે.
ઉલલેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાનને વેગ આપવા અને ‘લોકલ ફોર વોકલ’ની ભાવનાને પ્રોત્સાહન આપવા નગરપાલિકા કક્ષાએ સ્વદેશી મેળાઓનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે.
સ્થાનિક કારીગરો, સખીમંડળોની બહેનો, હસ્તકલાકારો તથા નાના ઉદ્યોગકારોને પોતાનાં ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય મંચ મળી રહે અને તેમની આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળે તે આ સ્વદેશી મેળાનો મુખ્ય હેતુ છે.
આ મેળામાં હસ્તકલા, ભરતગૂંથણ, વિવિધ હેન્ડિક્રાફ્ટની વસ્તુઓ, માટીકામની ચીજવસ્તુઓ, પર્સ, હર્બલ પ્રોડક્ટ્સ સહિત સ્વસહાય જૂથોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ સ્વદેશી વસ્તુઓ ખરીદી માટે ઉપલબ્ધ છે.
આ ઉપરાંત, જાહેર જનતા માટે ફૂડ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક કારીગરો અને મહિલાઓને પ્રોત્સાહન સ્વદેશી મેળા જેવા આયોજનો દ્વારા સ્થાનિક સ્તરે તૈયાર થતી વસ્તુઓને બજાર મળી રહે છે.
ખાસ કરીને સખીમંડળો સાથે સંકળાયેલી મહિલાઓને પોતાના હસ્તકૌશલ્યથી તૈયાર કરેલી વસ્તુઓના વેચાણની તક મળે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી નાના ઉત્પાદકોને ગ્રાહકો સુધી સીધા પહોંચવામાં મદદ મળે છે અને સ્થાનિક રોજગાર તથા સ્વરોજગારને પ્રોત્સાહન મળી શકે છે.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સ્થાનિક કારીગરો, મહિલા સ્વ-સહાય જૂથો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે તેમજ સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે તે હેતુથી વધુમાં વધુ નાગરિકોને મેળાની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ તકે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન ઉદય શાહ, અગ્રણી ડો.સંજય પરમાર, શૈલેષભાઇ મેસવાણિયા તેમજ નગરપાલિકાના સદસ્યઓ, સખી મંડળની બહેનો તેમજ વેરાવળના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ