
પાટણ, 26 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુર શહેરના ગંગાપુરા વિસ્તારમાં જોગમાયા મિત્ર મંડળ દ્વારા જોગણી માતાજીના મંદિર ખાતે 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય રજત જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
મહોત્સવમાં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત સહિત સ્થાનિક આગેવાનો અને આસપાસના ગામોના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારથી જ મંદિરે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી.
શ્રદ્ધાળુઓએ જોગણી માતાજીનાં દર્શન કરી વિધિવત્ પૂજન-અર્ચનનો લાભ લીધો હતો. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને ભક્તો માટે દર્શનની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આ પ્રસંગે રણજીતસિંહ સોલંકી, નંદાજી ઠાકોર, વિષ્ણુ પટેલ, કિરણસિંહ ઠાકોર, જયેશ પંડ્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોગમાયા મિત્ર મંડળના યુવાનો, દાતાઓ અને કાર્યકરોએ ઉત્સવની સફળતા માટે સેવા આપી હતી. સમગ્ર મહોત્સવ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ