
ગાંધીનગર,26 ઓકટોબર (હિ.સ.) : ગુજરાતના ચાર જિલ્લામાં ઓછા વરસાદને પગલે રાજ્ય સરકારે ખેડૂતો અને પશુપાલકોના હિતમાં રાહતલક્ષી નિર્ણય જાહેર કર્યો છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં ઓછા વરસાદની અસરને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત ખેડૂતોને પાકના નુકસાન સામે સહાય આપવામાં આવશે.
રાજ્ય સરકારે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતાં ભારતીય કિસાન સંઘે નિર્ણયને આવકાર્યો છે. જોકે બનાસકાંઠાની સ્થિતિ પણ ખરાબ હોવા છતાં જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતાં સંઘે સરકાર સમક્ષ પુનર્વિચારની માગ કરી છે.
સંઘના મહામંત્રી આર.કે. પટેલે કહ્યું કે ખેડૂતો લાંબા સમયથી દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા.
આર.કે. પટેલના જણાવ્યા મુજબ, ભારતીય કિસાન સંઘે સરકારને વારંવાર રજૂઆત કરી હતી કે વરસાદ અને ખેતીની સ્થિતિનું મૂલ્યાંકન કરીને ખેડૂતોને રાહત આપવામાં આવે. હવે ચાર જિલ્લાઓ માટે SDRFના નિયમો પ્રમાણે સહાય જાહેર થઈ છે.ખેડૂતોના અવાજને પ્રાધાન્ય મળ્યું છે અને તેમની રજૂઆતનો સ્વીકાર થયો છે, તેથી સંઘે સરકારના નિર્ણયને આવકાર્યો છે.
જાહેરાત મુજબ ખેડૂતોને હેક્ટરદીઠ રૂ. 8,500ની સહાય મળશે.
આર.કે. પટેલના અંદાજ પ્રમાણે આ રકમ વીઘાદીઠ આશરે રૂ. 2,000 થાય છે. જોકે, સંઘનું કહેવું છે કે હાલના ખેતી ખર્ચ સામે આ સહાય પૂરતી નથી. બિયારણ ખરીદવું અને પાણીની વ્યવસ્થા કરવી. આ બંને ખર્ચ ખેડૂતો માટે મોટા છે. મળનારી સહાય આ ખર્ચ કરતાં ઓછી રહેતી હોય તો ખેડૂતોને વાસ્તવિક રાહત કેટલી મળશે, તે સવાલ ઊભો થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ