
- મલ્લિનાથની મૂર્તિની તાત્કાલિક સુરક્ષા અને પૂજા કરવાની મંજૂરી આપવાની માંગ.
- જામી મસ્જિદ 1909 થી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનું સંરક્ષિત સ્મારક જાહેર.
અમદાવાદ, 26 ઓકટોબર (હિ.સ.) : ભરૂચની 14મી સદીની જામા મસ્જિદ અંગેના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, જેમાં હાઇકોર્ટે પક્ષકારો એવા ભરૂચ કલેકટર, મસ્જિદ ટ્રસ્ટ, રાજ્ય અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 2 નવેમ્બરે રાખી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય વતી સરકારી વકીલે જણાવ્યું હતું કે, આ સ્ટ્રક્ચરને સુરક્ષા આપવી જરૂરી છે. તેમાંથી જૈન તીર્થંકરની મૂર્તિ મળી છે.
જો કે હાઇકોર્ટમાં નવી બેન્ચ સમક્ષ આજે પહેલી વાર સુનાવણી યોજાતા, હાઇકોર્ટે અત્યારે કોઈ પણ પગલા લેવાનો ઇનકાર કર્યો છે.
આ કેસમાં ભરૂચના પાંચ અરજદારોએ મસ્જિદ પરિસરમાં જૈનોના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિની તાત્કાલિક સુરક્ષા અને પૂજા કરવાની મંજૂરી આપવાની માંગ કરી છે. સ્થાનિક રહીશો હરિશંકર જૈન અને રાહુલ દીવાન સહિતના અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરીને સત્તાવાળાઓને ભગવાન મલ્લિનાથની મૂર્તિનું રક્ષણ કરવા તાકીદના નિર્દેશો આપવા વિનંતી કરી છે. તેમણે એવી આશંકા વ્યક્ત કરી છે કે આ પ્રાચીન સ્મારકના સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ અને તણાવના કારણે મૂર્તિનો નાશ થઈ શકે છે.
તેમના વકીલે રજૂઆત કરી હતી કે ભગવાન મલ્લિનાથની મૂર્તિ જૈન સમાજ માટે અત્યંત પવિત્ર છે અને જૈન સમુદાયના સભ્યોને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે, અન્યથા તેમની ગેરહાજરીમાં મૂર્તિ નષ્ટ થઈ જશે.
વકીલે જણાવ્યું હતું કે જામી મસ્જિદ 1909 થી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનું સંરક્ષિત સ્મારક જાહેર થયેલું છે અને તે રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. હાલમાં તે પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, 1958 હેઠળ ASI ના સંરક્ષણમાં છે.
કાયદા મુજબ સ્મારકના મૂળ સ્વરૂપને બદલી શકાય નહીં, પરંતુ પ્રવર્તમાન વિવાદને જોતા અરજદારોને મૂર્તિની સુરક્ષા અંગે ડર છે.
રાજ્ય સરકાર અને ભરૂચ કલેક્ટર વતી સરકારી વકીલે રજૂઆત કરી હતી કે તેમને અરજદારની દલીલોમાં કેટલુંક તથ્ય જણાય છે. અરજદારોએ કેન્દ્ર સરકાર, ASI, રાજ્ય સરકાર અને જામી મસ્જિદની પ્રબંધક સમિતિને આ કેસમાં પક્ષકાર બનાવ્યા છે.
જામા મસ્જિદ પરનો આ વિવાદ આ વર્ષની શરૂઆતમાં ત્યારે શરૂ થયો હતો જ્યારે જૈનોએ દાવો કર્યો હતો કે મસ્જિદના ભોંયરાના ભાગમાં તપાસ દરમિયાન ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી આવી હતી.
એવું માનવામાં આવે છે કે આ મસ્જિદનું નિર્માણ 14મી સદીમાં ગિયાસુદ્દીન તુઘલકના શાસન દરમિયાન થયું હતું. મૂર્તિ મળી આવ્યા બાદ હિન્દુ અને જૈન સમાજના સ્થાનિક જૂથોએ એક રેલી કાઢી હતી. વર્તમાન કમીશનલ તણાવને કારણે કોઈ અણબનાવ ન બને તે માટે ASI એ ભરૂચ જિલ્લા કલેક્ટરને સ્મારકની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ