
રાજકોટ, 26 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ નજીક સરધાર પાસે સુકી સાજડીયાળી ગામના રસ્તે આવેલી નદીમાં કપડાં ધોવા ગયેલા ભાઈ-બહેનનું નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. ન્હાવા પડેલા મોટાભાઈને ડૂબતો બચાવવા માટે નાની બહેને પાણીમાં છલાંગ લગાવી હતી, પરંતુ બંનેના જીવ બચી શક્યા નહોતા. આ ઘટનાને પગલે સમગ્ર પરિવાર અને સરધાર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક શાંતુબેનના છૂટાછેડા થયા હોવાથી તેઓ ઘણા સમયથી સરધાર ગામે પોતાના અપરિણીત મોટાભાઈ મનુભાઈ ગોરધનભાઈ સોલંકી (45) સાથે જ રહેતા હતા. સાંજના સુમારે આ બંને ભાઈ-બહેન સરધારથી સુકી સાજડીયાળી ગામ તરફ જવાના રસ્તે આવેલી નદી પર કપડાં ધોવા માટે ગયા હતા. શાંતુબેન નદી કિનારે બેસીને કપડાં ધોઈ રહ્યા હતા, તે દરમિયાન મોટાભાઈ મનુભાઈ નદીમાં ન્હાવા માટે પડ્યા હતા.
થોડી જ વારમાં પાણીની ઊંડાઈ કે પ્રવાહના કારણે તેઓ અચાનક ડૂબવા લાગ્યા હતા.
મોટાભાઈને મોતની સામે સંઘર્ષ કરતા જોઈને બહેન શાંતુબેન (40) પોતાનું ભાન ભૂલી ગઈ અને ભાઈને બચાવવાના ઉદ્દેશ્યથી તુરંત જ પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. જોકે, પાણી વધુ ઊંડું હોવાને કારણે બંને ભાઈ-બહેન પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ આખી ઘટના ત્યાંથી પસાર થઈ રહેલા એક જાગૃત ખેડૂતે જોઈ લીધી હતી, જેથી તેણે તાત્કાલિક અન્ય ગ્રામજનોને આ અંગેની જાણ કરી હતી.
માહિતી મળતા જ પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક નદી કિનારે દોડી આવ્યા હતા.
ઘટનાની ગંભીરતા જોઈને ઘંટેશ્વર-૧ની એસડીઆરએફ ટીમના પીએસઆઈ આર.એ. ચુડાસમા અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ બંનેના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
આ દરમિયાન કાકાના પુત્ર પ્રકાશે 108 એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવી લીધી હતી, પરંતુ 108ના તબીબે સ્થળ પર જ તપાસીને બંને ભાઈ-બહેનને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt