




પોરબંદર , 26 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના દરિયાઈ પર્યાવરણને બચાવવા માટે જેતપુરના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં ઠાલવવાના પ્રોજેક્ટ સામે વિરોધ તેજ બન્યો છે.આ પ્રોજેક્ટના વિરોધમાં ‘સેવપોરબંદર સી’ દ્વારા અસ્માવતી ઘાટ ખાતે પ્રથમવાર ‘દાનવ દહન’ કાર્યક્રમ યોજી દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ માટે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જેતપુરના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવામાં આવેતો દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણને નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે વિરોધ થઈ રહ્યો હોવા છતાં પ્રોજેક્ટ આગળ વધી રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે પાઇપલાઇનનું 48 ટકા કામપૂર્ણ થયાનો દાવો સામે આવ્યો છે.
આથી પર્યાવરણપ્રેમીઓ અને દરિયાને બચાવવા માટે અવાજ ઉઠાવતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.વિરોધના ભાગરૂપે યોજાયેલા ‘દાનવદહન’ કાર્યક્રમમાં પ્રતીકાત્મક રીતે પ્રોજેક્ટ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આયોજકોનો હેતુ દરિયાઈ પર્યાવરણને સંભવિત નુકસાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અનેપ્રદૂષિત પાણીના દરિયામાં નિકાલ સામે જનમત ઊભો કરવાનો હતો.દરમિયાન, કાર્યક્રમ વખતે પોલીસ દ્વારા ‘સેવ પોરબંદર સી’ના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya