રાજકોટના કુવાડવા પાસેથી જૂનાગઢની આંગડિયા પેઢી લૂંટવા જતી ગેંગનો પર્દાફાશ : 5ની ધરપકડ
રાજકોટ, 26 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ એસ.ઓ.જી.ની ટીમે દિવાળીના તહેવારો દરમિયાન કુવાડવા ચોકડી પાસેથી ઉત્તરપ્રદેશ, બિહાર અને મુંબઈના રીઢા ગુનેગારોની એક સક્રિય ગેંગને ઝડપી લીધી છે. આ શખ્સો જૂનાગઢની આંગડિયા પેઢીમાં હથિયારોના જોરે મોટી લૂંટ ચલાવવાના પૂર્વ
આંગડિયા પેઢી લૂંટવા જતી ગેંગ


રાજકોટ, 26 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ એસ.ઓ.જી.ની ટીમે દિવાળીના તહેવારો દરમિયાન કુવાડવા ચોકડી પાસેથી ઉત્તરપ્રદેશ, બિહાર અને મુંબઈના રીઢા ગુનેગારોની એક સક્રિય ગેંગને ઝડપી લીધી છે. આ શખ્સો જૂનાગઢની આંગડિયા પેઢીમાં હથિયારોના જોરે મોટી લૂંટ ચલાવવાના પૂર્વ આયોજિત કાવતરા સાથે આવ્યા હતા, જે પોલીસે સમયસૂચકતા વાપરીને નિષ્ફળ બનાવ્યું છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) શાખાની ટીમ દિવાળીના તહેવારો નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા માટે ખાસ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન એસ.ઓ.જી.ના પી.આઈ. ચૌધરીની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.વી. ચુડાસમા તથા સ્ટાફના અસાઇમેન્ટ મુજબ રાજકોટ-અમદાવાદ હાઈવે રોડ પર કુવાડવા ગામ પાસે વાકાનેર ચોકડી નજીક બ્રિજના બાંધકામ પાસે વોચ ગોઠવીને બેઠા હતા. તે ટાણે અમદાવાદ તરફથી રાજકોટ તરફ આવી રહેલી એક શંકાસ્પદ સિલ્વર કલરની લક્ઝરીયસ એસ.યુ.વી. કારને પોલીસે અટકાવી હતી. ગાડીની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે અંદરથી ઘાતક હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

કારની પંચોની રૂબરૂમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા ડ્રાઈવર સીટની બાજુની જગ્યાએથી કાળા રંગના પ્લાસ્ટિકના થેલામાંથી દેશી બનાવટની લોખંડની પિસ્ટલ મળી આવી હતી. જેના બેરલ પર MADE IN USA અને AUTO PISTAL NO.1111 લખેલું હતું. આ ઉપરાંત ગાડીમાંથી લાકડાનો બેઝબોલનો ધોકો, એલ્યુમિનિયમની સ્ટીક, ડેસબોર્ડમાંથી એક સ્ક્રુ ડ્રાઈવર અને એક ધારદાર ફણાવાળી છરી પણ કબજે કરવામાં આવી હતી. આ તમામ હથિયારો જોઈને સ્પષ્ટ થઈ ગયું કે આ કોઈ સામાન્ય પ્રવાસ નથી પરંતુ કોઈ ગંભીર અને મોટા અપરાધને અંજામ આપવા માટેનું આયોજન છે.

પોલીસે આ ગાડીમાં સવાર પાંચ શખ્સોની ધરપકડ કરી છે, જેમાં જાકીરઅલી લિયાકતઅલી (રહે. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ), રંજનકુમારસિંહ ફિરંગીસિંહ (રહે. પશ્ચિમ ચંપારણ, બિહાર), સૈયદુદિન નજજીમીયા અંસારી (રહે. મહારાજગંજ, ઉત્તરપ્રદેશ), મહમદ શાહબાઝ શેખ (રહે. વડાલા ઈસ્ટ, મુંબઈ) અને સંજય સૂર્યનારાયણ સિંગ રાજપુત (રહે. થાણે, મહારાષ્ટ્ર) નો સમાવેશ થાય છે. જ્યારે આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર અને પિસ્ટલનો માલિક મહેબૂબ (રહે. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ) પોલીસ નાકાબંધી પહેલા જ ગાડીમાંથી ઉતરીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા આરોપીઓમાંથી બિહારનો રંજનકુમારસિંહ અગાઉ પણ ચોરી, લૂંટ, ધાડ અને નાર્કોટિક્સ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.

પોલીસની પ્રાથમિક અને સઘન પૂછપરછમાં એ વાત સામે આવી છે કે આંતરરાજ્ય ગેંગના આ શખ્સો ઉત્તરપ્રદેશ, બિહાર અને મુંબઈથી ભેગા થઈને ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન મોટી લૂંટને અંજામ આપવાના ઈરાદાથી આવ્યા હતા. તેમનું મુખ્ય લક્ષ્ય જૂનાગઢ ખાતે આવેલી એક મોટી આંગડિયા પેઢીમાં ધાડ પાડવાનું તેમજ ઘરફોડ ચોરી કરવાનું હતું. જોકે, સજાગ રાજકોટ પોલીસે તેઓ પોતાના નાપાક ઇરાદાઓમાં સફળ થાય તે પહેલા જ બાતમી અને સતર્ક પેટ્રોલીંગના આધારે આખી યોજના પર પાણી ફેરવી દીધું હતું અને તેમની ધરપકડ કરી લીધી હતી.

આ સફળ ઓપરેશન અંતર્ગત પોલીસે આરોપીઓ પાસેથી દેશી પિસ્ટલ, જીવલેણ છરી, અલગ-અલગ કંપનીના ૯ નંગ મોબાઈલ ફોન, રોકડ રકમ અને ગુનામાં વપરાયેલી રૂ. ૫ લાખની લક્ઝરીયસ એસ.યુ.વી. કાર સહિત કુલ રૂ. ૫,૬૧,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. હાલ નાસી છૂટેલા મુખ્ય આરોપી મહેબૂબને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ એસ.ઓ.જી. દ્વારા ચલાવવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande