
ગીર સોમનાથ 26 ઓક્ટોબર (હિ.સ.) વેરાવળના કૃષ્ણ નગર, ખડખડ રામ મંદિર પાસે વર્ષોથી ચાલતી ૧૨૧ વર્ષથી વધુ પ્રાચીન ક્રિષ્ના ગરબી મંડળ (મગરા ચોક) ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઇ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા ૧૩ દિવસીય ભવ્ય રાસ-ગરબા હરીફાઈનું સફળ આયોજન સંપન્ન થયું હતું. આ નવરાત્રિ મહોત્સવમાં નાના ભૂલકાઓ, યુવાન ખેલૈયા ભાઈઓ, કન્યાઓ તેમજ પરિણીત બહેનોએ માતાજીની આરાધના સાથે ૧૩ દિવસ દરમિયાન રંગબેરંગી પારંપરિક પરિધાનો અને આભૂષણો સજીને ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધાના અંતે યોજાયેલી ફાઇનલ અને મેગા ફાઇનલના વિજેતાઓમાં ૨ કિંગ અને ૧ ક્વીનને કુલ ૩ ટુ-વ્હીલર બાઇક, પ્રિન્સ અને પ્રિન્સેસને એલઇડી ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીન તથા બાળ વિભાગના ૩ પ્રિન્સ અને ૩ પ્રિન્સેસને કુલ ૬ સાયકલો તેમજ ૫૦ લહાણી સહિત કુલ ૧૨૭ આકર્ષક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઇનામ વિતરણ સમારોહમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ-પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, ગદરે મરીનના મેનેજર અરવિંદ સાહેબ, સમસ્ત ખારવા સમાજના ઉપપટેલ બાબુભાઈ ત્રિકમભાઈ આગીયા, ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ રમતગમત સેલના સંયોજક વિમલભાઈ ફોફંડી, રબારી સમાજના ભુપતભાઈ કોડિયાતર, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી મોહનભાઈ દેવડીયા, રાજુભાઈ પુરોહિત, રમજુભા ચાવડા, એક્સ આર્મીમેન મુકેશભાઈ ઝાલા, મીનાબેન જાદવ સહિતના અન્ય મહેમાનો તથા કુહાડા પરિવારની બહેનો ઉપસ્થિત રહી સર્વ ખેલૈયાઓને પ્રોત્સાહિત કરી ઇનામો અર્પણ કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ