
જુનાગઢ 26 ઓક્ટોબર (હિ.સ.) ગરવા ગિરનારની ગોદમાં યોજાતી પરંપરાગત ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા લાખો ભાવિકો માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે આજે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ સંલગ્ન અધિકારીઓ સાથે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસથી ઈંટવા ગેટ સુધી પગપાળા ચાલીને રૂટ નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત ભવનાથ - ભરડાવાવ વિસ્તારના પાર્કિંગ સ્થળોની પણ મુલાકાત કરી હતી.
જિલ્લા કલેકટરએ પરંપરાગત ગિરનાર લીલી પરિક્રમામાં ઉમટતા લાખો ભાવિકો માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સ્થળ પરથી જ જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
આ રૂટ નિરીક્ષણમાં જિલ્લા કલેકટરશ્રીની સાથે મહાનગરપાલિકાના કમિશનર શ્રી આઈ.આર. વાળા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર સુશ્રી બી. એસ. બારડ સહિતના અધિકારીઓ જોડાયા હતા.
જિલ્લા કલેકટરએ પરિક્રમા રૂટના માર્ગોની મારામત, ટ્રાફિક નિયમન, પાર્કિંગ, પરિવહન, પીવાના પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ અને વ્યવસ્થાઓ માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તે સંદર્ભે જિલ્લા કલેક્ટરએ જરૂરી માર્ગદર્શન કર્યું હતું.
ખાસ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન કઠિન ચઢાણ ગણાતા એવા માળવેલા અને નળપાણીની ઘોડી પાસે પણ આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ સુદ્રઢ કરવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત ભાવિકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાન રાખી લાઇટિંગની વ્યવસ્થા વધારવા માટે પણ તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે.
ભાવિકોની સેવા અર્થે પધારતા અન્નક્ષેત્ર અને સેવાભાવી સંસ્થાઓને પણ પાણી સહિત અન્ય જરૂરી સહયોગ મળી રહે તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
જિલ્લા કલેકટરએ વન વિભાગ સાથે સંકલનમાં રહી ફરજ પરના અધિકારી- કર્મચારીઓ આગોતરી રીતે ફરજના સ્થળની મુલાકાત લેવા જરૂરી ગણાવ્યું હતું. સાથે જ વન વિભાગ, પોલીસ, આરોગ્ય સહિતના વિભાગનું યોગ્ય સંકલન જળવાય તે માટે પણ માર્ગદર્શન કર્યું હતું.
જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ભારે વરસાદના કારણે ગિરનાર લીલી પરિક્રમા થઈ શકી ન હતી. તેથી આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં ભાવિકો આવે તેવી અપેક્ષા છે. તેને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ ભાવિકોની સુરક્ષા માટે પોલીસ, વન વિભાગ, આરોગ્ય સહિતના વિભાગો સાથે જરૂરી સંકલન સાથે ભાવિકોની સુરક્ષાની વિશેષ કાળજી માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.
પરિક્રમા શરૂ થાય ત્યારથી માંડી સમગ્ર પરિક્રમા રૂટ પર પીવાના પાણી, લાઈટ, હેલ્થ સહિત જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવશે. ખાસ ગિરનાર ક્ષેત્રમાં ઓછો વરસાદ પડવાને લીધે પાણીના કુદરતી સ્ત્રોત ઓછા છે. તેને ધ્યાને લઈ વધુ પાણીના વધુ સ્ત્રોત ઊભા કરવા માટે બોર પણ કરવામાં આવશે.
જિલ્લા કલેકટરએ ખાસ પરિક્રમા દરમિયાન માનવ વન્યજીવ સંઘર્ષ ન થાય તે માટે ભાવિકોને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને પરિક્રમાના નિશ્ચિત રૂટથી બહાર ન જવા માટે પણ અનુરોધ કર્યો હતો.
આ રૂટ નિરીક્ષણમાં મહાનગરપાલિકા, વન વિભાગ, આરોગ્ય, પીજીવીસીએલ, માર્ગ અને મકાન સહિતના વિભાગના અધિકારીઓ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ