

- લેબોરેટરી તપાસ માટે પનીર અને દૂધની બનાવટોના નમૂના મોકલાયા; રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે
કચ્છ, 26 ઓક્ટોબર (હિ.સ.) ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ભુજ-કચ્છના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ભીરંડીયારા વિસ્તારમાં આવેલી એક ડેરી ફાર્મમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ ગુણવત્તાવાળા પનીર અને દૂધની બનાવટોનો મોટો જથ્થો મળી આવતાં તંત્ર દ્વારા અંદાજે 699 કિલોગ્રામ પનીરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણમાં ગુણવત્તાના ધોરણો જાળવવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ભુજ તાલુકાના ભીરંડીયારા સ્થિત 'મેં. પટેલ એન્ટરપ્રાઇઝ ડેરી ફાર્મ' ખાતે ફૂડ સેફ્ટી ઓફિસર એમ. એમ. પટેલ અને એસ. બી. પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ પેઢી ખાતે દૂધ તથા દૂધમાંથી બનતી વિવિધ વસ્તુઓનો વ્યાપારી ધોરણે વ્યવસાય ચાલતો હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું.
તપાસ ટીમે સ્થળ પર પનીર બનાવવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ઉત્પાદન પ્રક્રિયા અને ત્યાં મળી આવેલા પનીરની ગુણવત્તા અંગે શંકા ઊભી થતાં અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ની જોગવાઈઓ અનુસાર પેઢીમાંથી પનીર સહિત દૂધની બનાવટોના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને ગુણવત્તા અને સલામતીની ચકાસણી માટે સ્ટેટ ફૂડ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે.
બીજી તરફ, જાહેર આરોગ્યના હિતમાં શંકાસ્પદ જણાયેલા પનીર અને દૂધની બનાવટોના જથ્થા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પંચોની હાજરીમાં અંદાજે 699 કિલોગ્રામ પનીરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જોકે, આ ખાદ્ય પદાર્થો અંગેનો અંતિમ નિર્ણય લેબોરેટરીના પૃથ્થકરણ અહેવાલ બાદ લેવામાં આવશે.
લેબોરેટરીનો અહેવાલ પ્રાપ્ત થયા પછી લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ મુજબ સંબંધિત પેઢી સામે કોર્ટમાં કેસ દાખલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થોના ઉત્પાદકો અને વેપારીઓને ગુણવત્તા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા તાકીદ કરી છે. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી પ્રવૃત્તિઓ સામે આવી તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar