
લાંબા સમયથી ફરજ પર ગેરહાજર રહેતા શિક્ષકો સામે પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારનો કડક નિર્ણય; આગામી સમયમાં પણ અનિયમિત શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ રહેશે
કચ્છ, 26 ઓક્ટોબર (હિ.સ.) : જિલ્લામાં લાંબા સમયથી ફરજ પર અનિયમિત રહેતા અને સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે પ્રાથમિક શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદો અને તાલુકા કક્ષાએથી મેળવેલી વિગતોની તપાસ બાદ પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે નવ શિક્ષકોની સેવા સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગની આ કાર્યવાહીથી ફરજમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓમાં ચકચાર મચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કચ્છ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો લાંબા સમયથી નિયમિત હાજર રહેતા ન હોવાની ફરિયાદો તંત્રને મળી હતી. આ ફરિયાદોને પગલે સંબંધિત શિક્ષકોની હાજરી અને ફરજ અંગેની વિગતો તાલુકા કક્ષાએથી એકત્રિત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક શિક્ષકો લાંબા સમયથી સતત રજા પર રહેતા હોવાનું અને ફરજ પર હાજર ન રહેતા હોવાનું સામે આવ્યું હતું.
તંત્રના ધ્યાનમાં આવેલા કિસ્સાઓમાં કેટલાક શિક્ષકોએ પરસ્પર બદલી કરાવ્યા બાદ પણ લાંબા સમય સુધી રજા પર રહી ફરજ બજાવી નહોતી. એક શિક્ષક સતત ગેરહાજર રહી વિદેશ ચાલ્યા ગયા હોવાની વિગતો પણ સામે આવી હતી. અન્ય શિક્ષકોની હાજરીમાં પણ લાંબા સમયથી અનિયમિતતા જોવા મળતાં જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નવ શિક્ષકો સામે સેવા સમાપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
સેવા સમાપ્ત કરવામાં આવેલા શિક્ષકોમાં સોલંકી કુસુમબા ભરતસિંહ, રણા રાજેશકુમાર નટવરલાલ, ગીતાબેન નરેશભાઈ ચૌધરી, સંદીપભાઈ કરશનભાઈ બાવરવા, પટેલ ગાયત્રીબેન રમેશચંદ્ર, કિરણભાઈ હરીભાઈ ચૌધરી, હેતલબેન ડી. ગોસ્વામી, શોભાબેન મેરામણભાઈ મોઢવાડિયા અને રીતુબેન મેણસીભાઈ જખોત્રાનો સમાવેશ થાય છે.
શાળાઓની વિગતો મુજબ, સોલંકી કુસુમબા ભરતસિંહની લાલાહીરાવાંઢ પ્રાથમિક શાળા, ભચાઉ સાથે; રણા રાજેશકુમાર નટવરલાલની કકરવાંઢ શાળા સાથે; ગીતાબેન નરેશભાઈ ચૌધરીની પલાંસવા પ્રાથમિક કુમાર ગ્રુપ શાળા સાથે અને સંદીપભાઈ કરશનભાઈ બાવરવાની ડોરાથાણા પ્રાથમિક શાળા, રાપર સાથે નિમણૂક સંબંધિત વિગતો યાદીમાં દર્શાવાઈ છે. પટેલ ગાયત્રીબેન રમેશચંદ્ર શ્રી ખારીયાવાંઢ (સઈ) પ્રાથમિક શાળા, રાપર; કિરણભાઈ હરીભાઈ ચૌધરી વિડીવાડી પ્રાથમિક શાળા, રાપર; હેતલબેન ડી. ગોસ્વામી કાર્ગો-1 પ્રાથમિક શાળા, ગાંધીધામ; શોભાબેન મેરામણભાઈ મોઢવાડિયા વલસરા પ્રાથમિક શાળા, અબડાસા અને રીતુબેન મેણસીભાઈ જખોત્રા ચાંદ્રાણી પ્રાથમિક શાળા, અંજાર સાથે સંકળાયેલા હતા.
પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકોની વિગતો આગામી સમયમાં પણ તાલુકા કક્ષાએથી મેળવવામાં આવશે. ફરજમાં સતત અનિયમિતતા અથવા નિયમભંગ સામે આવશે તો સંબંધિત શિક્ષકો વિરુદ્ધ નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.
વિદ્યાર્થીઓના શિક્ષણને અસર ન થાય અને શાળાઓમાં શૈક્ષણિક કામગીરી નિયમિત રીતે ચાલતી રહે તે માટે શિક્ષકોની હાજરી અને ફરજ પ્રત્યેની જવાબદારી મહત્ત્વપૂર્ણ છે. કચ્છ શિક્ષણ વિભાગની આ કાર્યવાહીથી અન્ય કર્મચારીઓને પણ ફરજ પ્રત્યે સજાગ રહેવાનો સંદેશ મળ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar