હાજીપીરમાં ક્રિકેટનો મહાકુંભ શરૂ! 66 ટીમો વચ્ચે રાત્રિના રોમાંચક મુકાબલા, ખોભડીએ જીત સાથે ખોલ્યું ખાતું
-અખિલ કચ્છ ગ્રામ પંચાયત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2026નો ભવ્ય પ્રારંભ; પ્રથમ મેચમાં ખોભડીની ટીમે નલિયાને 7 રનથી હરાવી કચ્છ, 26 ઓક્ટોબર (હિ.સ.) ક્રિકેટના મેદાન પર રાત્રિના રોમાંચક મુકાબલાઓનો ઉત્સાહ જગાવવા હાજીપીર ખાતે અખિલ કચ્છ ગ્રામ પંચાયત નાઇટ ક
હાજીપીર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


-અખિલ કચ્છ ગ્રામ પંચાયત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2026નો ભવ્ય પ્રારંભ; પ્રથમ મેચમાં ખોભડીની ટીમે નલિયાને 7 રનથી હરાવી

કચ્છ, 26 ઓક્ટોબર (હિ.સ.) ક્રિકેટના મેદાન પર રાત્રિના રોમાંચક મુકાબલાઓનો ઉત્સાહ જગાવવા હાજીપીર ખાતે અખિલ કચ્છ ગ્રામ પંચાયત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2026નો ભવ્ય પ્રારંભ થયો છે. હાજીપીર ગોલ્ડ સ્ટાર ગ્રુપના આયોજન હેઠળ યોજાઈ રહેલી આ સ્પર્ધામાં કચ્છભરની કુલ 66 ટીમો ભાગ લઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારની ક્રિકેટ પ્રતિભાઓને પોતાની રમતનું કૌશલ્ય દર્શાવવા માટે મંચ પૂરું પાડતી આ ટુર્નામેન્ટને લઈને ખેલાડીઓ તેમજ ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પોલીસ, રાજકીય, સામાજિક અને પત્રકારત્વ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. હાજીપીર પોલીસ સ્ટેશનના PSI વી.ડી. ગોહિલ, ભીરંડીયારા જિલ્લા પંચાયતના સભ્ય અને સિંચાઈ સમિતિના સભ્ય અબ્દુલ્લા બુઢા જત, દેશલપર બેઠકના તાલુકા પંચાયતના સભ્ય સલીમ જીયેજા તથા પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય ફકીર મહંમદ રાયસી સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં જોડાયા હતા.

સ્પર્ધાની શરૂઆત નલિયા અને ખોભડીની ટીમો વચ્ચેના મુકાબલાથી થઈ હતી. પ્રથમ મેચમાં બંને ટીમોએ જીત માટે પ્રયાસો કરતાં મેદાન પર રસાકસી જોવા મળી હતી. અંતે ખોભડીની ટીમે 7 રનના અંતરથી વિજય મેળવીને ટુર્નામેન્ટમાં પોતાની જીતનું ખાતું ખોલ્યું હતું.

ટુર્નામેન્ટ દરમિયાન સ્કોરર તરીકે આમદ મુજાવર, અબ્બાસ અને આંસુ મુજાવરે જવાબદારી સંભાળી હતી, જ્યારે અલી રાયમા અને ફારૂક મુજાવરે કોમેન્ટ્રી દ્વારા મેચનો રોમાંચ વધાર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ઉમેશ આચાર્યએ કર્યું હતું અને અંતે સદ્દામ મુજાવરે આભારવિધિ કરી હતી.

કચ્છની 66 ટીમોની ભાગીદારી ધરાવતી આ ટુર્નામેન્ટમાં દરરોજ ચાર ટીમો વચ્ચે મુકાબલા યોજાશે. આગામી દિવસોમાં રમાનારી મેચો સાથે હાજીપીરનું ક્રિકેટ મેદાન ખેલાડીઓના ઉત્સાહ, ટીમવર્ક અને જીતના જુસ્સાનું કેન્દ્ર બનશે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande