



આતંકવાદી પ્રવૃત્તિઓ, ડ્રગ્સની હેરાફેરી અને દાણચોરી અટકાવવા દરિયાકાંઠે 5 કિમીથી વધુ વિસ્તારમાં પગપાળા પેટ્રોલિંગ, શંકાસ્પદ બોટો અને અવાવરું સ્થળોનું કરાયું ચેકિંગ
કચ્છ, 26 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત રાજ્યના દરિયાઈ વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા, શંકાસ્પદ વ્યક્તિઓની અવરજવર પર નજર રાખવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને દરિયાકાંઠે શંકાસ્પદ વસ્તુઓ, ડ્રગ્સનાં પેકેટ, અજાણી બેગ, ડ્રોનની હિલચાલ, દાણચોરી અને કેફી પદાર્થોની હેરાફેરી જેવી પ્રવૃત્તિઓ સામે સતર્કતા રાખવાના ઉદ્દેશથી સુરક્ષા કર્મચારીઓએ સ્થળ પર તપાસ કરી હતી.
આ કામગીરી અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક (દરિયાઈ સુરક્ષા) એ.એમ. મુનિયાની સૂચના અનુસાર હાથ ધરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક તથા મરીન સેક્ટર કમાન્ડર એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી, કોટેશ્વર દ્વારા પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. જેમાં નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા, પી.એસ.આઈ. તથા મરીન કમાન્ડોની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો.
પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠાના વિવિધ સ્થળોએ શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો અને બોટોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સામાન્ય અવરજવર ઓછી હોય તેવા અવાવરું વિસ્તારોનું પણ ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેથી કોઈ અસામાજિક તત્ત્વો દરિયાઈ માર્ગનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ ન આપી શકે.
કચ્છ જિલ્લો સરહદી અને દરિયાઈ દૃષ્ટિએ સંવેદનશીલ હોવાથી આવી સુરક્ષા કામગીરીનું વિશેષ મહત્ત્વ છે. દરિયાઈ માર્ગે થતી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા અને સંભવિત જોખમો સામે સજ્જ રહેવા માટે હાથ ધરાયેલું આ સઘન પેટ્રોલિંગ સુરક્ષા વ્યવસ્થાની તકેદારીનો એક ભાગ છે. આ અભિયાન દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત દેખરેખ અને ચેકિંગની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar