રાજકોટમાં વેપારી દંપતીનો વ્યાજખોરના ત્રાસથી આપઘાત, રૂ.4 લાખના રૂ.8 લાખ માંગી ધમકી આપતા હતા
રાજકોટ, 26 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ભોગ લેવાયો છે, જ્યાં સ્વામિનારાયણ ચોક પાસે રહેતા વેપારી દંપતીએ અટિકા ફાટક નજીક આવેલી પોતાની ફેક્ટરીમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મોરબીના કુખ્યાત વ્યાજખોરની અસહ્ય પઠાણી ઉઘરાણી
ગળાફાંસો


રાજકોટ, 26 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ભોગ લેવાયો છે, જ્યાં સ્વામિનારાયણ ચોક પાસે રહેતા વેપારી દંપતીએ અટિકા ફાટક નજીક આવેલી પોતાની ફેક્ટરીમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મોરબીના કુખ્યાત વ્યાજખોરની અસહ્ય પઠાણી ઉઘરાણી અને ધમકીઓથી ત્રસ્ત બનીને આ હસતા-ખેલતા પરિવારે આત્યંતિક પગલું ભરતા ૧૫ વર્ષના માસૂમ પુત્રએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના સ્વામિનારાયણ ચોક નજીક કૃષ્ણનગર શેરી નંબર ૧૨માં રહેતા અને અટિકા ફાટક પાસે લસણની ફેક્ટરી ચલાવતા રમેશભાઈ માવજીભાઈ ચાવડા (40) અને તેમના પત્ની ભારતીબેન (40)એ ગત રાતે ફેક્ટરીમાં એંગલ સાથે ચુંદડી બાંધી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ભારે શોક અને અરેરાટી ફેલાઈ ગઈ છે. આ દંપતી છેલ્લા બાર વર્ષથી ભાડાની જગ્યામાં ખૂબ જ મહેનત મજૂરી કરીને પોતાનો પરિવાર ચલાવતું હતું. પરંતુ, ધંધાકીય જરૂરિયાત માટે લીધેલા નાણાંના વિષચક્રમાં તેઓ એવી રીતે ફસાયા કે તેમને આખરે મોત જ એકમાત્ર રસ્તો દેખાયો, જેના કારણે તેમનો એકનો એક પુત્ર જય નાની ઉંમરે જ એકાંત અને નિરાધાર બની ગયો છે.

આ હૃદયદ્રાવક ઘટના બનતા પહેલાં ઘરની અંદર અત્યંત કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ફેક્ટરીએ જતા પહેલાં દંપતી પોતાના વૃદ્ધ માતા-પિતા માવજીભાઈ અને મંજુબેનને ભેટીને ચોધાર આંસુએ રડી પડ્યું હતું અને છેલ્લી ભલામણ કરતાં કહ્યું હતું કે, અમારા ગયા પછી અમારા દીકરા જયનું પૂરેપૂરું ધ્યાન રાખજો. આ અશુભ સંકેત મળતા જ પરિવાર ચિંતામાં મુકાયો હતો. આ દરમિયાન ગોંડલ રોડ પર રહેતા પરિવારના સભ્ય લક્ષ્મીદાસને અજૂગતું થવાનો અહેસાસ થતાં તેમણે તાત્કાલિક ફોન કરી હિંમત આપતા કહ્યું હતું કે, તારે જેટલા પણ રૂપિયા દેવાના હોય તેનો હિસાબ આપ, આપણે ગમે ત્યાંથી સવાર સુધીમાં બધું દેવું ચૂકતે કરી દઈશું. વૃદ્ધ માતા-પિતાએ પણ પુત્ર-પુત્રવધૂને આશ્વાસન આપ્યું હતું કે કોઈએ ડરવાની જરૂર નથી, આપણે રસ્તો કાઢી લઈશું.

પરંતુ, પરિવાર મદદ કરવા માટે તત્પર હતો તે પહેલા જ માનસિક રીતે ભાંગી ચૂકેલા દંપતીએ ફેક્ટરીમાં પહોંચીને અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રમેશભાઈએ ધંધાના વિકાસ માટે મોરબીના ગોગન નામના શખ્સ પાસેથી ચાર લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ ચાર લાખ સામે વ્યાજખોર ગોગન પઠાણી ઉઘરાણી કરીને આઠ લાખ રૂપિયાની માગણી કરતો હતો. વ્યાજખોરના ભારે દબાણને કારણે આ ગરીબ દંપતી છેલ્લા ત્રણ મહિનાથી દરરોજના પચાસ હજાર રૂપિયા ચૂકવી રહ્યું હોવા છતાં વ્યાજખોરની લાલસા સંતોષાઈ નહોતી અને વધુ રકમ માટે માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું.

વ્યાજખોર ગોગને તાકીદની ધમકી આપી હતી કે જો આજ સવાર સુધીમાં આઠ લાખ રૂપિયા રોકડા નહીં ચૂકવાય, તો આજથી જ દરરોજના સિત્તેર હજાર રૂપિયા પેનલ્ટી પેટે આપવા પડશે. આ અસહ્ય માનસિક ત્રાસ અને રોજબરોજની ધમકીઓના કારણે સંતુલન ગુમાવી ચૂકેલા દંપતીએ આ કરુણ પગલું ભર્યું છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વ્યાજખોર ગોગન સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે, જેથી મૃતક દંપતીને ન્યાય મળી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande