
જામનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતરમાં કાઢીને રાખવામાં આવેલી મગફળીના ઢગલામાં અજાણ્યા શખ્સોએ આગ લગાડી દેતાં આશરે ૧૩૫ મણ મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવમાં ખેડૂતને રૂ. ૧,૯૮,૦૦૦નું નુકસાન થતાં આ અંગે કાલાવાડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોટી વાવડી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા જીવરાજભાઈ રામજીભાઈ દોંગા (૭૦)ની ગામની સીમમાં સર્વે નંબર ૧૬૩માં ખેતીની જમીન આવેલી છે. આ જમીનમાં તેમણે આશરે ૧૪ વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું. પાક તૈયાર થતાં આશરે ૧૨ વીઘાની મગફળી કાઢીને ખેતરમાં એક જગ્યાએ ઢગલો કરી રાખવામાં આવ્યો હતો.
ગત તા. ૧૯ ઑક્ટોબરના રોજ સાંજે સાતેક વાગ્યે જીવરાજભાઈ વાડીનું કામ પતાવીને ઘરે જમવા ગયા હતા. ત્યારબાદ રાત્રે દશેક વાગ્યાના સુમારે તેઓ મોટરસાઇકલ લઈને ફરી વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાંથી જ વાડી તરફ ધુમાડા નીકળતા નજરે પડ્યા હતા. જેથી તેઓ તાત્કાલિક વાડીએ પહોંચ્યા હતા, જ્યાં મગફળીના ઢગલામાં આગ ભભૂકી રહી હોવાનું જોવા મળ્યું હતું.
આગની જાણ થતાં દોડી ગયા હતા અને આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની જ્વાળાઓએ મગફળીના ઢગલાને લપેટમાં લઈ લેતાં આશરે ૧૩૫ મણ મગફળી બળીને નાશ પામી હતી. આ મગફળીની અંદાજિત કિંમત ૧,૯૮,૦૦૦ થતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પ્રારંભમાં આ બનાવ અંગે અકસ્માતની જાણવાજોગ નોંધ કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદની તપાસ અને પૂછપરછના આધારે અજાણ્યા શખ્સોએ વાડીમાં પ્રવેશ કરીને ઇરાદાપૂર્વક આગ લગાડી નુકસાન પહોંચાડ્યું હોવાની શંકાના આધારે ખેડૂત દ્વારા ગઈકાલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ અંગે ખેડૂત જીવરાજભાઈ ની ફરિયાદના આધારે કાલાવાડ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt