
જામનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) : શહેરના અત્યંત ગીચ અને ભીડભાડવાળા એવા દરબારગઢથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જાહેર માર્ગો પર અનધિકૃત રીતે પથારા અને રેંકડી રાખીને વેપાર કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવતાં જાગૃત નાગરિકોમાં આનંદ અને દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જાહેર રસ્તાઓ વાહનચાલકો તેમજ રાહદારીઓની અવરજવર માટે સુગમ બને અને શહેરમાં સતત સર્જાતી ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી લોકોને રાહત મળે તે હેતુથી એસ્ટેટ શાખાની ટીમે આ સઘન તપાસ અને કાર્યવાહી કરી હતી. ટીમે સ્થળ પર પહોંચીને રસ્તા પર અવરોધરૂપ બનેલી તમામ વેચાણ સામગ્રી તથા અનધિકૃત રીતે મુકેલી ચીજવસ્તુઓ જપ્ત કરી લીધી હતી. આ સરપ્રાઈઝ ચેકિંગ અને કાર્યવાહીને કારણે પથારાવાળાઓમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
આ કાર્યવાહી દરમિયાન મનપાની ટીમે કપડાંના પુતળાં, લોખંડનું ટેબલ, સાત વજનકાંટા, બે છત્રીઓ, ચાર ઝુલા, માલ ભરવાના ઝબલાં, પ્લાસ્ટિકના પાઇપ, પાટલા, ત્રિકોણ સ્ટેન્ડ અને પ્લાસ્ટિકના મુંઢાં સહિતનો વિપુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરના મુખ્ય માર્ગોને દબાણમુક્ત રાખવા અને ટ્રાફિક સુચારુ બનાવવા માટે આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt