ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી ૩ લાખ પડાવનાર યુવતીના ત્રાસથી નેપાળી યુવાને કર્યો આપઘાત
રાજકોટ, 26 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવીને 3 લાખ પડાવી લીધા બાદ યુવતી દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસ અને બદનામીથી કંટાળીને 26 વર્ષીય નેપાળી યુવાને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. રાજકોટના બજરં
મોત


રાજકોટ, 26 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવીને 3 લાખ પડાવી લીધા બાદ યુવતી દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસ અને બદનામીથી કંટાળીને 26 વર્ષીય નેપાળી યુવાને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.

રાજકોટના બજરંગવાડી સર્કલ પાસે આવેલા પવન કોમ્પ્લેક્સ નજીક રહેતા અને કડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 26 વર્ષીય નેપાળી યુવાન યુવરાજ કેતન થાપાનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રોજ મજૂરી કરતા આ યુવકને થોડા સમય અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધા નામની યુવતી સાથે પરિચય થયો હતો. આ સામાન્ય પરિચય સમય જતાં પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો, પરંતુ આ પ્રેમ સંબંધ યુવરાજના જીવન માટે જીવલેણ સાબિત થશે તેની તેને કલ્પના પણ નહોતી.

પ્રેમસંબંધના આ ગાળા દરમિયાન શ્રદ્ધા નામની યુવતીએ યુવરાજને પોતાની માયાજાળમાં ફસાવી દીધો હતો અને છેલ્લા સાતેક મહિનાના ટૂંકા સમયગાળામાં કટકે-કટકે આશરે ત્રણ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. કાળી મજૂરી કરીને કમાયેલી આ મૂડી યુવતીએ ખંખેરી લીધા બાદ પણ તેની લાલચ સંતોષાઈ નહોતી અને પૈસા પડાવી લીધા પછી અચાનક જ યુવતીએ યુવરાજ સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા.

રૂપિયા પડાવ્યા બાદ યુવતીએ યુવરાજને માનસિક રીતે ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. તેણે યુવરાજને 'તું ખોટા ધંધા કરે છે' તેવા આક્ષેપો કરી મિત્રવર્તુળ તથા સમાજમાં બદનામ કરવાનું શરૂ કર્યું હતું. આ આર્થિક છેતરપિંડી અને સામાજિક બદનામીનો આઘાત સહન ન થતાં યુવરાજે આજીડેમ તળાવ પાસેના પુલ પર જઈને ઝેરી દવા પી લીધી હતી, જેથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ ગંભીર હાલતમાં યુવરાજને ત્વરિત સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે યુવકના પરિવારમાં ભારે શોક અને માતમ છવાઈ ગયો છે. આ સમગ્ર મામલે હોસ્પિટલ ચોકી દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને, આર્થિક છેતરપિંડી અને માનસિક ત્રાસ આપનાર યુવતી સામે કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande