
જામનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીથી અકળાયેલા નગરજનો માટે રાહતના સમાચાર આવ્યા છે. તાજેતરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતાં બપોરના સમયે અનુભવાતી ગરમીની તીવ્રતા ઓછી થઈ છે. તાપમાનના પારામાં આવેલા આ ઘટાડાને કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે વાતાવરણમાં આહલાદક હળવી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, જેનાથી સ્થાનિક રહીશોએ ભારે હાશકારો અનુભવ્યો છે.
સ્થાનિક હવામાન કાર્યાલય દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, જામનગરમાં મહત્તમ તાપમાન ઘટીને 32.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. આ ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 2.33 કિલોમીટર નોંધાઈ હતી. વાતાવરણમાં ભેજ અને તાપમાનના આ ફેરફારના કારણે વહેલી સવારે હળવું ઝાકળભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું હતું.
બપોરના સમયે તાપમાનનો પારો 37 ડિગ્રી સુધી પહોંચી જવાથી લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત બન્યા હતા, પરંતુ હવે તાપમાન નીચું આવતાં રાહત મળી છે. હાલમાં થઈ રહેલા હવામાનના આ બદલાવને પગલે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ કેટલું વધશે અને વાતાવરણ કેવું રહેશે તે તરફ સૌની નજર મંડાયેલી છે. હાલ પૂરતી ગરમીમાંથી મુક્તિ મળતાં નગરજનો માટે સવારનું વાતાવરણ ખૂબ જ ઉત્સાહવર્ધક બની રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt