
ભાવનગર, 26 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લામાં આગામી ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ યોજાનારા પીએમ કિસાન ઉત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે પ્રભારી મંત્રી અને રાજ્યના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં બંને દિવસના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કૌશિકભાઈ વેકરિયાએ કાર્યક્રમનાં સ્થળની પસંદગી, એલઈડી સ્ક્રીન, સુરક્ષા વ્યવસ્થા, જનભાગીદારી અને રિપોર્ટિંગ સહિતની તૈયારીઓ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. તેમણે જિલ્લાના દરેક ગામને કાર્યક્રમો સાથે જોડીને વધુમાં વધુ લોકો સહભાગી બને તે રીતે આયોજન કરવા અને તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ આયોજન અંગે વિગતો રજૂ કરી હતી. મહાનગરપાલિકા કમિશનર ડૉ. એન.કે. મીના અને પ્રાદેશિક કમિશનર સુનિલે મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારોમાં યોજાનારા કાર્યક્રમોની તૈયારીઓની માહિતી આપી હતી.
૩૦ ઓક્ટોબરના રોજ પીએમ કિસાન ઉત્સવ અંતર્ગત ભાવનગરમાં જિલ્લા કક્ષાનો એક કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની દરેક બેઠક દીઠ બે કાર્યક્રમો અને દરેક નગરપાલિકા દીઠ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી જિલ્લાના દરેક ગામમાં કરવામાં આવશે. આ દરમિયાન એકતા રેલી, શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન અને એકતાનગર ખાતે યોજાનારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
બેઠકમાં મેયર ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, અગ્રણીઓ, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષાના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA