

ગાંધીનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) કર્ણાવતી યુનિવર્સિટીની યુનાઇટેડ સ્કૂલ ઑફ લિબરલ આર્ટ્સ એન્ડ માસ કમ્યુનિકેશન (USLM)ની વિદ્યાર્થીની અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ની સક્રિય સ્વયંસેવિકા રીવા વાલાએ પોતાની સેવાભાવના, શિસ્ત, મહેનત અને સમર્પણના બળે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વર્ષ 2024થી NSS સાથે જોડાઈને સામાજિક સેવા અને રાષ્ટ્રનિર્માણની પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપનાર રીવા વાલાની પસંદગી NSS પ્રી-રિપબ્લિક ડે પરેડ કેમ્પ–2026 માટે ગુજરાતની ટીમમાં કરવામાં આવી છે. આ કેમ્પનું આયોજન તા. 10થી 19 નવેમ્બર, 2026 દરમિયાન હૈદરાબાદ, તેલંગાણા ખાતે થવાનું છે.
રીવા વાલાએ NSS અંતર્ગત વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો છે. તેમણે બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપતા ‘પ્રોજેક્ટ શિક્ષા’ તેમજ રક્તદાન શિબિરની પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યું છે. આ ઉપરાંત, તેમણે બે ગ્રામ્ય શિબિરોમાં ભાગ લઈને ગ્રામ્ય જીવન, સામાજિક જવાબદારી અને સમુદાય સેવા અંગેનો અનુભવ પ્રાપ્ત કર્યો છે. આ પ્રવૃત્તિઓ દ્વારા તેમણે સમાજ પ્રત્યેની સંવેદનશીલતા અને લોકસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ ઉપરાંત, રીવા વાલાએ બેંગલુરુ ખાતે આયોજિત વર્લ્ડ યુથ પાર્લામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. આ અનુભવથી તેમને યુવા નેતૃત્વ, સામાજિક પ્રશ્નો અંગેની સમજ અને વિવિધ ક્ષેત્રના યુવાનો સાથે વિચારોના આદાનપ્રદાનની તક મળી હતી.
કર્ણાવતી યુનિવર્સિટીના માય ભારત (MY Bharat) અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS)નાં કો-ઓર્ડિનેટર ડૉ. અંજલિ પટેલના માર્ગદર્શન હેઠળ રીવા વાલાએ NSSની વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો છે. ડૉ. અંજલિ પટેલના માર્ગદર્શન, પ્રોત્સાહન અને સતત સહયોગથી રીવા વાલાની સેવાભાવના, નેતૃત્વ ક્ષમતા, શિસ્ત અને સામાજિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂતી મળી છે. યુવાનોને સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણની પ્રવૃત્તિઓ સાથે જોડવા માટે NSS અને માય ભારતના માધ્યમથી કરવામાં આવતાં પ્રયાસો યુવા શક્તિને સકારાત્મક દિશા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
NSS પ્રત્યેની તેમની સતત પ્રતિબદ્ધતા, શિસ્તબદ્ધ કાર્યશૈલી, ટીમવર્ક અને સેવાભાવનાના પરિણામે રીવા વાલાને આ પ્રતિષ્ઠિત કેમ્પ માટે પસંદગી પ્રાપ્ત થઈ છે. NSS પ્રી-રિપબ્લિક ડે પરેડ કેમ્પ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, શિસ્ત, દેશભક્તિ, નેતૃત્વ અને રાષ્ટ્રપ્રત્યેની જવાબદારીની ભાવનાને મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે.
ગુજરાતની ટીમમાં સ્થાન મેળવવું એ રીવા વાલાની મહેનત, સેવાકીય યોગદાન અને સતત પ્રયત્નોનું ગૌરવપૂર્ણ પ્રતિબિંબ છે.
આ સિદ્ધિની સાથે રીવા વાલાને ગુજરાતની પ્રી-રિપબ્લિક ડે પરેડ કેમ્પ ટીમના અન્ય સભ્યો સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા અને ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણા સાહેબ સાથે મુલાકાત કરવાની તક પણ પ્રાપ્ત થઈ હતી. આ મુલાકાત તેમના માટે પ્રેરણાદાયી રહી હતી. જાહેર સેવા, શિક્ષણ, યુવા નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણના મૂલ્યોને વધુ નજીકથી સમજવાની આ તક તેમની ભાવિ સફર માટે પ્રેરક બની રહેશે.
રીવા વાલાની આ સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ કર્ણાવતી યુનિવર્સિટી અને સમગ્ર ગુજરાતના યુવાનો માટે પણ પ્રેરણારૂપ છે. તેમની સફર દર્શાવે છે કે નિષ્ઠા, સતત પ્રયત્નો, સેવાભાવના અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના દ્વારા યુવાનો રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી શકે છે. NSS જેવી પ્રવૃત્તિઓ યુવાનોમાં આત્મવિશ્વાસ, શિસ્ત, ટીમવર્ક અને જવાબદાર નાગરિક બનવાના ગુણો વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
કર્ણાવતી યુનિવર્સિટી માટે આ ગૌરવની ક્ષણ છે. રીવા વાલાની આ સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવે છે અને તેમની ભાવિ સફર વધુ સફળ બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવે છે. તેમની આ સિદ્ધિ અન્ય યુવાનોને પણ સમાજના ઉત્થાન અને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સક્રિય યોગદાન આપવા પ્રેરણા પૂરી પાડશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ