
રાજકોટ, 26 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટમાં સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીઓને ફસાવતી ઠગાઈની ઘટનાઓ સતત વધી રહી છે, જેમાં તાજેતરમાં ફૂટવેરનો વ્યવસાય કરતી એક મહિલા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થયાનો કિસ્સો સામે આવ્યો છે. વિયેતનામમાંથી સસ્તા ભાવે ફૂટવેર મંગાવવાની લાલચ આપીને ભેજાબાજોએ મહિલા પાસેથી રૂ. 5.71 લાખ પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે.
રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા એસટી વર્કશોપ પાછળ આબેડકરનગરમાં રહેતા અને અગાઉ ફૂટવેરનો બિઝનેસ કરતા નીતાબેન ચૌહાણ એ રવિવારે સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓએ ભૂતકાળમાં આ વ્યવસાય કર્યો હતો પરંતુ હાલ તે બંધ હતો. વર્ષ 2025માં ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હેન્ડલ કરવાની જાહેરાત જોઈને તેમણે 'જેટીઆઈટી સર્વિસ' નામની કંપનીનો સંપર્ક કર્યો હતો, જ્યાં તેમની વાત 'મોહીત' નામના વ્યક્તિ સાથે થઈ હતી.
સંપર્ક થયા બાદ મોહીતે ઓનલાઈન પ્લેટફોર્મ પર નીતાબેનનું એકાઉન્ટ હેન્ડલ કરવાનું શરૂ કર્યું હતું અને થોડા દિવસો પછી તેમને વિયેતનામથી સસ્તામાં ફૂટવેર મંગાવી આપવાની લાલચ આપી હતી. આરોપીએ ઓછામાં ઓછા રૂ. 5 લાખનો માલ મંગાવવો પડશે અને અડધું પેમેન્ટ એડવાન્સમાં આપવું પડશે તેમ કહેતા, નીતાબેને શરૂઆતમાં 2,500 યુનિટ માટે અઢી લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ બીજી રકમ પણ ટ્રાન્સફર કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ માલ ન મળતા અને સામેથી અલગ-અલગ બહાનાં બતાવવામાં આવતા ઠગાઈનો ભોગ બન્યાનું સ્પષ્ટ થયું હતું. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધીને જે નંબરથી કોલ કરાતા હતા તેના ધારક અને ખાતાધારકને આરોપી બનાવી આગળની તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt