જામનગર રીલાયન્સમાંથી રૂ.59 લાખના પી.પી. દાણાની છેતરપિંડી કેસનો ફરાર આરોપી ઝડપાયો
રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રીલાયન્સ કંપનીમાંથી રૂ. ૫૯ લાખની કિંમતના ૫૯ મેટ્રીક ટન પી.પી. દાણાની વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા મુખ્ય આરોપીને રાજકોટ રેન્જ
નાસ્તો ફરતો આરોપી ઝડપાયો


રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રીલાયન્સ કંપનીમાંથી રૂ. ૫૯ લાખની કિંમતના ૫૯ મેટ્રીક ટન પી.પી. દાણાની વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા મુખ્ય આરોપીને રાજકોટ રેન્જ ટીમે ચોટીલા બસસ્ટેન્ડ પાસેથી પકડી પાડ્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુના આચરીને નાસતા-ફરતા ગુનેગારોને શોધી કાઢીને પકડી પાડવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટરો તથા સમગ્ર સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના માધ્યમથી સઘન વર્કઆઉટ હાથ ધરવામાં આવ્યું હતું.

આ કામગીરી દરમિયાન પોલીસ સ્ટાફના કર્મચારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં નોંધાયેલા આર્થિક ગુનાનો નાસતો-ફરતો આરોપી ચોટીલા વિસ્તારમાં હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ચોટીલા એસ.ટી. બસસ્ટેન્ડ ખાતે વોચ ગોઠવી હતી અને આરોપીની સફળતાપૂર્વક અટકાયત કરી લીધી હતી.

પકડાયેલા આરોપીની ઓળખ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંધોળા ગામના રહીશ ભરત કલાભાઇ કેરાસીયા તરીકે થઈ છે. આરોપી વિરુદ્ધ જામનગરના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન પીનલ કોડ ની કલમ ૪૦૬, ૪૦૭, ૪૨૦ અને ૧૧૪ મુજબ વિશ્વાસઘાત તથા છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં તે છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો.

ઝડપાયેલા આરોપીને આગળની કાનૂની કાર્યવાહી અર્થે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશન ખાતે પણ આ અંગે જાણ કરવામાં આવી છે, જેથી ગુના સંબંધિત આગળની તપાસ અને ઘટીત કાર્યવાહી હાથ ધરી શકાય.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande