જામ જોધપુરના ઈશ્વરીયા ગામે વિશ્વાસઘાત: હોસ્પિટલ ગયેલા દંપતીના બંધ ઘરમાંથી મિત્રએ રૂ. 3.40 લાખની ચોરી કરી
જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામે એક તસ્કરી અને વિશ્વાસઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સારવાર અર્થે હોસ્પિટલ જતી વખતે ઘરમાં ઢોર-ઢાંખરનું ધ્યાન રાખવા અને ઘરની ચાવી સાચવવા માટે સોંપાયેલા મિત્રએ જ વ
ચોરી


જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામે એક તસ્કરી અને વિશ્વાસઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સારવાર અર્થે હોસ્પિટલ જતી વખતે ઘરમાં ઢોર-ઢાંખરનું ધ્યાન રાખવા અને ઘરની ચાવી સાચવવા માટે સોંપાયેલા મિત્રએ જ વિશ્વાસઘાત કરીને રૂમમાં ઢોરના ડુચા નીચે છુપાવેલા સ્ટીલના ડબ્બામાંથી રૂ. 3.40 લાખની રોકડ રકમ ચોરી લીધી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

ઘટનાની વિગતો અનુસાર, ઈશ્વરિયા ગામના પાદર વિસ્તારમાં રહેતા પ્રિયાબેન બડીયાવદરા અને તેમના પતિ અરશીભાઈએ ખેતપેદાશ તથા ભેંસ વેચીને આશરે રૂ. 3.71 લાખ એકત્ર કર્યા હતા. આ રકમ તેમણે ઘરના એક રૂમમાં ઢોરના ડુચા નીચે સ્ટીલના ડબ્બામાં સંતાડી રાખી હતી. ગત તા. 9 ઑક્ટોબરના રોજ પ્રિયાબેનને સારવાર માટે જામનગરની શ્રીજી હોસ્પિટલ જવાનું હોવાથી, પતિ અરશીભાઈએ ઘરના ઢોરને પાણી પાવા અને ધ્યાન રાખવા માટે પોતાના મિત્ર અમિત ઉર્ફે લાલો હમીરભાઈ ડાંગરને ઘરની ચાવીઓ સોંપી હતી.

ત્યારબાદ બીજા દિવસે તા. 10 ઑક્ટોબરના રોજ દંપતીએ ખરીદી કરવા માટે સ્ટીલનો ડબ્બો ચકાસતા તેમાંથી માત્ર રૂ. 19 હજાર મળી આવ્યા હતા, જ્યારે બાકીના રૂ. 3.40 લાખ ગાયબ હતા. દંપતીએ શંકાના આધારે મિત્ર અમિતનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો અને તા. 15 ઑક્ટોબરના રોજ તેને લાઈટ રિપેરિંગના બહાને ઘરે બોલાવી પૂછપરછ કરી હતી, પરંતુ તેણે ચોરીનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જેથી દંપતીએ આખરે જામજોધપુર પોલીસ મથકે લેખિત અરજી આપી હતી.

પોલીસે અરજીના આધારે શંકાસ્પદ અમિતને પોલીસ સ્ટેશને બોલાવી કડક પૂછપરછ કરતા તેણે ચોરી કર્યાની અને નાણાં વપરાઈ ગયા હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ છ મહિનામાં નાણાં પરત ચૂકવવાની વાત કરી હતી, પરંતુ દંપતીને તેના પર વિશ્વાસ ન રહેતા આખરે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ગઈકાલે પ્રિયાબેન બડીયાવદરાની ફરિયાદના આધારે જામજોધપુર પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande