જામનગરમાં કોંગ્રેસ નેતા ડો. વિજયાલક્ષ્મીના સરકાર પર પ્રહાર: ‘વોટ નહીં બચે તો દેશ પણ નહીં બચે’
જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરની મુલાકાતે આવેલા મધ્યપ્રદેશના પૂર્વ મહિલા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. વિજયાલક્ષ્મી સાઢોએ વોટચોરીના મામલે સરકાર અને નિર્વાચન આયોગ પર આકરા પ્રહારો કર્યા છે. જામનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષ
જામનગરમાં કોંગ્રેસના પૂર્વ મંત્રીની પત્રકાર પરિષદ


જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગરની મુલાકાતે આવેલા મધ્યપ્રદેશના પૂર્વ મહિલા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. વિજયાલક્ષ્મી સાઢોએ વોટચોરીના મામલે સરકાર અને નિર્વાચન આયોગ પર આકરા પ્રહારો કર્યા છે. જામનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો દેશમાં મતદારો અને તેમના વોટ નહીં બચે તો લોકતંત્ર અને દેશ પણ નહીં બચે. આથી વર્તમાન સમયમાં દેશના દરેક નાગરિકે વોટ બચાવવા જાગૃત થવું અનિવાર્ય છે.

કોંગ્રેસ અને ‘ઇન્ડિયા’ ગઠબંધન દ્વારા સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહેલા ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત યોજાયેલી આ વિશિષ્ટ મુલાકાતમાં તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દો માત્ર કોંગ્રેસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર જનમાનસ અને દેશવાસીઓનો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ચૂંટણી પંચની ભૂમિકા સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને તેના અંગેના પ્રમાણભૂત પુરાવાઓ દેશની જનતા સામે મૂકી રહ્યા છે.

ડો. સાઢોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મતદાન એ બંધારણ દ્વારા નાગરિકોને આપવામાં આવેલો મૂળભૂત અધિકાર છે. જો વોટ જ સુરક્ષિત નહીં રહે તો દેશના લોકોના તમામ અધિકારોનું હનન થશે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આજે દેશની તમામ સ્વાયત્ત સંસ્થાઓ ધીમે ધીમે નબળી પડી રહી છે અથવા ખતમ થઈ રહી છે, જે સીધી રીતે લોકતંત્રની હત્યા સમાન છે. આ ગંભીર પરિસ્થિતિમાં દેશના તમામ નાગરિકો અને વિશેષ કરીને યુવાનોએ અત્યંત સચેત રહેવાની જરૂર છે.

આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમભાઈ મેડમ, પૂર્વ મંત્રી દિનેશ પરમાર, પ્રદેશ અગ્રણી પ્રગતિબેન આહીર, નયનાબા જાડેજા, પ્રદેશ મહામંત્રી બીપેન્દ્રસિંહ જાડેજા, સહારાબેન મકવાણા અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તમામ હોદ્દેદારોએ એકસૂરે લોકશાહીના રક્ષણ માટે યોજાયેલા આ અભિયાનને સમર્થન આપ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande