

- પાસ-પરમિટ અને રોયલ્ટી વિના ખનન થતું હોવાની આશંકા; પશ્ચિમ કચ્છ LCBની કાર્યવાહી બાદ વાહનો પ્રાગપર પોલીસ મથકે રખાવાયાં
કચ્છ, 27 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને ચોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે મુન્દ્રા તાલુકાના રાઘા ગામની સીમમાં તપાસ હાથ ધરી સાદી માટી એટલે કે મોરમના ગેરકાયદેસર ખનન અને પરિવહનનો મામલો ઝડપી પાડ્યો છે. સ્થળ પરથી મોરમનો 28.330 ટન જથ્થો ભરેલું હાઇવા વાહન તેમજ ખોદકામ માટે ઉપયોગમાં લેવાતું હિટાચી મશીન મળી આવતાં બંને વાહનોને કાયદેસરની કાર્યવાહી હેઠળ ડિટેઇન કરવામાં આવ્યાં છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન LCBની ટીમ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રાઘા ગામની સીમમાં હાઇવા વાહનમાં મોરમ ભરેલું હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં હાઇવા માં 28.330 ટન મોરમ ભરેલું મળી આવ્યું હતું. વાહનચાલક વિજયસિંહ ગુમાનસિંહ રાઠોડ, રહે. પત્રી, તાલુકો ભુજ, પાસે ખનીજના જથ્થા અંગે રોયલ્ટી અને કાંટા પાવતીની માંગણી કરવામાં આવતાં તે ઉપલબ્ધ ન હોવાનું જણાવાયું હતું.
વધુ તપાસ દરમિયાન સ્થળ પર મોરમના ખનન માટે ઉપયોગમાં લેવાતું XE1401 મોડલનું હિટાચી મશીન પણ મળી આવ્યું હતું. મશીનચાલક રજનીશ મીઠાઇલાલ પાલ, મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ રાઘા ગામે રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ખોદકામ માટે જરૂરી પાસ-પરમિટ વિના મોરમનું ખનન કરવામાં આવતું હોવાની બાબત સામે આવી છે.
આ મામલે ખાણ-ખનીજ ધારાની કલમ 34 હેઠળ હાઇવા અને હિટાચી મશીન ડિટેઇન કરીને પ્રાગપર પોલીસ મથકે રખાવવામાં આવ્યાં છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે ફ્લાઇંગ સ્ક્વોડને અહેવાલ મોકલવામાં આવ્યો છે.
આ કામગીરી LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા તથા PSI જે.બી. જાદવ અને એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ASI પ્રધ્યુમનસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ દર્શનભાઈ રાવલ અને પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ચૌહાણે હાથ ધરી હતી. જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામેની આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાવાની શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar