
અમદાવાદ,27 ઓકટોબર (હિ.સ.) હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના દોષસિદ્ધિ અને સજાના આદેશને રદ કર્યો છે. કેસને નવેસરથી ન્યાયિક કાર્યવાહી ટ્રાયલ કોર્ટમાં પરત મોકલવામાં આવ્યો છે. ખેડા કોર્ટે POCSO કેસમાં એક આરોપીને 10 વર્ષની સજા ફટકારી હતી. જેની સામે આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઈકોર્ટે આ અપીલને ગ્રાહ્ય રાખતા, આરોપીની સજા રદ્દ કરી નાખી છે. તેમજ 6 મહિનામાં ફરી ટ્રાયલ પૂર્ણ કરવા હુકમ કર્યો છે, ટ્રાયલમાં રહેલી ખામીઓને જોતા ટ્રાયલ કોર્ટ માત્ર મૂક પ્રેક્ષક બનીને રહે નહીં તેવી ટકોર સાથેનો હુકમ તમામ નીચલી કોર્ટમાં સરક્યુલેટ કરવા હુકમ કરાયો છે.
નડિયાદની સેકન્ડ એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો કોર્ટે વર્ષ 2021ના કેસમાં જુલાઈ, 2026ના રોજ આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારી હતી. 25 જાન્યુઆરી, 2021ના રોજના રોજ 14 વર્ષની સગીર પીડિતાએ જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને સારવાર દરમિયાન 4 ફેબ્રુઆરી, 2021ના રોજ તેનું અવસાન થયું હતું.
આરોપી ઉપર આક્ષેપ હતો કે, તેને સગીરાને જબરદસ્તી તેની સાથે સંબંધ રાખવા દબાણ કરીને ધમકી આપી હતી.
પબ્લિક પ્રોસિક્યુટરે પીડિતાની સારવાર કરનાર ડૉક્ટર કે જેઓએ કેસ હિસ્ટ્રી નોંધી હતી તથા મરણોન્મુખ નિવેદન નોંધતી વખતે પીડિતાની માનસિક સ્થિતિ અંગે, યાદી પર અભિપ્રાય આપનાર ડૉક્ટરની સાક્ષી તરીકે તપાસ કરી ન હતી.
પીડિતાના ઈન્ડોર મેડિકલ કેસ પેપર્સ પણ ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હતા.
ટ્રાયલ કોર્ટે ડૉક્ટરની તપાસ કર્યાં વગર કે તબીબી પુરાવાની ખરાઈ કર્યાં વગર માત્ર મરણોન્મુખ નિવેદનોના આધારે આરોપીને દોષિત ઠેરવ્યો હતો, જે ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓનો સંદર્ભ આપતા હાઈકોર્ટે જણાવ્યું કે, ટ્રાયલ કોર્ટે માત્ર મુકપ્રેક્ષક બનીને રહેવાનું નથી. CRPCની કલમ 311 અને પુરાવા કાયદાની કલમ 165 હેઠળ કોર્ટ પાસે સત્ય શોધવા મહત્વના સાક્ષીઓને બોલાવવાની સત્તા હતી, જેનો ઉપયોગ કરવામાં ટ્રાયલ કોર્ટ નિષ્ફળ રહી છે.
હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના દોષસિદ્ધિ અને સજાના આદેશને રદ કર્યો છે.
કેસને નવેસરથી ન્યાયિક કાર્યવાહી ટ્રાયલ કોર્ટમાં પરત મોકલવામાં આવ્યો છે. બંને પક્ષોને મહત્વના સાક્ષીઓની ઉલટ તપાસ કરવા અને જરૂરી પુરાવા રેકોર્ડ પર લાવવાની પૂરતી તક આપવાનો આદેશ કરાયો છે. ટ્રાયલ કોર્ટને આ આદેશ મળ્યાના 6 મહિનાની અંદર કેસનો ગુણદોષના આધારે આખરી નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ચુકાદાની નકલ રાજ્યની તમામ નીચલી અદાલતોમાં માર્ગદર્શન અર્થે પરિપત્રિત કરવા રજિસ્ટ્રીને આદેશ આપ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ