
નવસારી, 27 ઓક્ટોબર (હિ.સ.): નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વણગામમાં રહેતી એક યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચ આપીને રૂ. 28.43 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, યુવતી ઈન્સ્ટાગ્રામ પર ‘ઈશા શર્મા’ નામથી જ્યોતિષની રીલ્સ જોતી હતી. મનપસંદ યુવક સાથે લગ્ન કરવાની ઇચ્છા પૂરી થશે તેવી આશામાં તેણે જ્યોતિષનો સંપર્ક કર્યો હતો.
આરોપી મહિલાએ યુવતી અને યુવકની કુંડળીમાં દોષ હોવાનું જણાવી વિશેષ પૂજા કરાવવાની વાત કરી હતી. ત્યારબાદ પૂજા-વિધિના નામે અલગ-અલગ સમયે નાણાંની માગણી કરી યુવતી પાસેથી આશરે 29 બેંક ખાતાંમાં કુલ રૂ. 28.43 લાખ ટ્રાન્સફર કરાવ્યા હોવાનો આક્ષેપ છે. યુવતીએ આ રકમ માટે પોતાની બચતનો ઉપયોગ કર્યો હતો અને મિત્રો તથા સગાં-સંબંધીઓ પાસેથી પણ નાણાં ઉધાર લીધાં હતાં.
લાંબા સમય સુધી નાણાં ચૂકવ્યા છતાં ઇચ્છિત પરિણામ ન મળતાં યુવતીએ વધુ પૈસા આપવાની ના પાડી હતી. ત્યારબાદ આરોપીએ યુવતી અને તેના મનગમતા યુવકના અંગત ફોટોગ્રાફ્સ તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને પરિવારજનોમાં બદનામ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે. આ મામલે બીલીમોરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બેંક ખાતાં અને ટેક્નિકલ પુરાવાઓની તપાસ દ્વારા આરોપી સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે