

- ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીથી અને ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી આપી લીલી ઝંડી: ‘Say No to Drugs, Say Yes to Life’ સાથે દેશભરના જવાનોનો એકતા સંકલ્પ
- ‘અખંડ ભારત’થી ‘નશામુક્ત ભારત’: દેશના પોલીસ અને સુરક્ષા દળોના 225 બાઈકર્સ યુવા પેઢીને આપશે સ્વસ્થ જીવનનો સંદેશ
રાજપીપળા,27 ઓકટોબર (હિ.સ.) નર્મદા જિલ્લામાં આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે યોજાનારી ‘રાષ્ટ્રીય એકતા પરેડ-2026માં આ વર્ષે નશામુક્ત ભારતનો સંદેશ આપતી વિશેષ બાઈક રેલી આકર્ષણનું કેન્દ્ર બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનારી આ ભવ્ય ઉજવણીમાં ‘ફાઇટ
અગેઇન્સ્ટ ડ્રગ્સ’ની થીમ હેઠળ પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના અધિકારીઓ અને જવાનો યુવા પેઢીને નશાથી દૂર રહી સ્વસ્થ જીવન જીવવા અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કરશે.
દિલ્હીથી ગાંધીનગર થઈને એકતાનગર સુધી જનજાગૃતિનો પ્રવાસ નશામુક્ત ભારતના સંદેશને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલી આ રાષ્ટ્રીય બાઈક રેલીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 21 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ 25 ઓક્ટોબરના રોજ ગાંધીનગર સચિવાલય પરિસરમાંથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેલીને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું. દેશના વિવિધ શહેરોમાં નશામુક્તિ અંગે વ્યાપક
જાગૃતિ ફેલાવતી આ રેલી હવે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતેની રાષ્ટ્રીય એકતા પરેડમાં જોડાયા કરશે.
વિવિધ રાજ્યો અને સુરક્ષા દળોનો સુમેળ: ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ આ રાષ્ટ્રીય અભિયાનમાં દેશના 225થી વધુ બાઈકચાલકો જોડાયા છે. લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને કેરળ સહિત વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ ટીમો આ રેલીનો હિસ્સો બની છે.
આ ઉપરાંત CRPF, BSF, ITBP, NSG, NDRF અને CISF જેવા કેન્દ્રીય સુરક્ષા દળોના
પ્રતિનિધિઓ પણ એમાં સહભાગી થયા છે. જુદા જુદા પ્રદેશો, ભાષાઓ અને સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતા આ જવાનો એકસાથે જોડાઈને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ખરા અર્થમાં સાકાર કરી રહ્યા છે.
‘Say No to Drugs, Say Yes to Life’ – યુવા પેઢી માટે પ્રેરણાસ્રોત માદક પદાર્થોનું સેવન વ્યક્તિના સ્વાસ્થ્ય, પારિવારિક જીવન અને ભવિષ્ય પર ગંભીર અસર કરે છે. યુવા પેઢીને નશાના દૂષણથી મુક્ત રાખી સકારાત્મક દિશા તરફ વાળવી એ આજના સમયની મહત્વપૂર્ણ સામાજિક જરૂરિયાત છે. આ રેલી દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સામાજિક જાગૃતિ લાવવામાં
પણ સુરક્ષા દળોની સક્રિય ભૂમિકા ઉપસી આવે છે.
31 ઓક્ટોબરે એકતાનગર ખાતે માર્ચ પાસ્ટ, વિવિધ ઝાંખીઓ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓની સાથે
આ બાઈક રેલી મુખ્ય આકર્ષણ રહેશે. સરદાર પટેલે આપેલી રાષ્ટ્રીય એકતાની વિરાસત સાથે નશામુક્ત ભારતના સંકલ્પને જોડતી આ પહેલ દેશના દરેક યુવાનને જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા પૂરી પાડશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ