રાજકોટમાં દીપોત્સવી કાર્નિવલ યોજાશે: વીજ બચત સાથે કરકસરયુક્ત ઉજવણીનો નિર્ણય
રાજકોટ, 28 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટમાં આગામી દિવાળીના તહેવાર નિમિત્તે અગાઉ રદ્દ કરાયેલો કાર્નિવલ હવે કેટલાક બદલાવ સાથે યોજવામાં આવશે. રાજ્યમાં સંભવિત વીજ અને પાણીના સંકટને ધ્યાનમાં રાખીને અગાઉ મનપા દ્વારા ઉત્સવ મોકૂફ રાખવાની વિચારણા કરવામાં આવી હત
રાજકોટ કોર્પોરેશન


રાજકોટ, 28 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટમાં આગામી દિવાળીના તહેવાર નિમિત્તે અગાઉ રદ્દ કરાયેલો કાર્નિવલ હવે કેટલાક બદલાવ સાથે યોજવામાં આવશે. રાજ્યમાં સંભવિત વીજ અને પાણીના સંકટને ધ્યાનમાં રાખીને અગાઉ મનપા દ્વારા ઉત્સવ મોકૂફ રાખવાની વિચારણા કરવામાં આવી હતી, પરંતુ પદાધિકારીઓની પુનર્વિચારણા બાદ બારસથી દિવાળી સુધીના ચાર દિવસ દરમિયાન દીપાવલી ઉત્સવ નામે વિશેષ કાર્યક્રમો યોજવાનો નિર્ણય લેવાયો છે, જેમાં વ્યર્થ ખર્ચ ટાળીને રોશની અને સાંસ્કૃતિક આકર્ષણો પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

આ ચાર દિવસીય ઉત્સવ અંતર્ગત રેસકોર્સ રિંગ રોડ પર આકર્ષક રોશની કરવામાં આવશે તેમજ નાગરિકો માટે દર વર્ષની જેમ રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરાશે. જોકે, અગાઉના વર્ષોની સરખામણીએ આ ઉજવણીમાં ડી.જે.ના ઘોંઘાટ અને અદ્યશાયી ખર્ચને સંપૂર્ણપણે રદ્દ કરી દેવામાં આવ્યા છે. મનપા દ્વારા જનતાની ખુશી અને વીજ કરકસર વચ્ચે સંતુલન જાળવીને તહેવાર ઉજવવાની રણનીતિ ઘડવામાં આવી છે.

આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને આખરી આયોજન નક્કી કરવા માટે આજે સાંજે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક બાદ ખર્ચના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને આવતીકાલે સત્તાવાર રીતે ઉત્સવના વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત જાહેરાત કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના આ નિર્ણયથી તહેવારના દિવસોમાં શહેરીજનો ઉત્સાહપૂર્વક પ્રકાશના પર્વની ઉજવણી કરી શકશે. સાથે જ તંત્ર દ્વારા વીજળી અને પાણીના ભાવિ સંકટને પહોંચી વળવા માટે અગાઉથી જ સતર્કતા દાખવીને કોઈપણ પ્રકારના બિનજરૂરી ખર્ચ વિના માત્ર લોકભોગ્ય આકર્ષણો સાથે મર્યાદિત સાધનોમાં ભવ્ય દીપોત્સવી ઉજવણી કરવાનો મક્કમ અભિગમ અપનાવવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande