
રાજકોટ, 28 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ સરપંચ તરીકેના સમયગાળા દરમિયાન લાખો રૂપિયાની નાણાકીય ગડબડ આચરવાના આરોપસર ડીડીઓએ મોટી કાર્યવાહી કરી છે. રૂા. 52.59 લાખથી વધુ રકમની ઉચાપત કેસમાં જેલહવાલે થયેલા ઉપસરપંચ ધવલ વઘાસીયાને જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવાનો સત્તાવાર હુકમ કર્યો છે. આ કાર્યવાહી પંચાયત અધિનિયમની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવી છે.
ધવલ વઘાસીયા સામે ઈન્ચાર્જ સરપંચ પદ પર હતા તે દરમિયાન રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ખર્ચ તેમજ એટીવીટી યોજનાની ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા સીસી રોડના કામોમાં ખોટા રેકોર્ડ અને કાગળો ઊભા કરીને રૂા. 52.59,200ની ઉચાપત આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવ્યા બાદ ધવલ વઘાસીયાએ 60 દિવસ સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) દ્વારા તૈયાર કરવામાં આવેલા તપાસ અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે આકરા પગલાં લીધા છે. ડીડીઓએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ-59(1) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને ધવલ વઘાસીયાને તેમની બાકી રહેલી મુદત અથવા કોર્ટના આખરી ચુકાદા સુધી ઉપસરપંચના હોદ્દા પરથી દૂર રાખવાનો આદેશ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt