વેડિંગ ઈન્વીટેશન માટેની એપીકે ફાઇલ મોકલી બેંક ખાતા ખાલી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
રાજકોટ, 28 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે લગ્નની કંકોતરી કે અન્ય બહાને એપીકે ફાઈલ મોકલી નાગરિકોના બેંક ખાતા ખાલી કરતી આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો છે. પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાંથી સંચાલિત આ ગેંગે ટેકનોલોજીનો દુ
સાયબર ફ્રોડ આચરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ


રાજકોટ, 28 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે લગ્નની કંકોતરી કે અન્ય બહાને એપીકે ફાઈલ મોકલી નાગરિકોના બેંક ખાતા ખાલી કરતી આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો છે. પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાંથી સંચાલિત આ ગેંગે ટેકનોલોજીનો દુરુપયોગ કરી દેશભરમાં લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી, જેમાં રાજકોટના ધોરાજી વિસ્તારના નિવૃત્ત કર્મચારીને પણ શિકાર બનાવવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ગઈકાલે મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી દેશવ્યાપી સાયબર નેટવર્કનો ભેદ ઉકેલ્યો છે.

આ સમગ્ર પ્રકરણની શરૂઆત ધોરાજીના સુપેડી ગામે રહેતા નિવૃત્ત કર્મચારી જયંતિલાલ ભેંસદડીયા સાથે થઈ હતી. તેમના ફોન પર વોટ્સએપ દ્વારા લગ્નની કંકોતરીના સ્વરૂપમાં એક અજાણી એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી. જાગૃતિના અભાવે તેમણે આ ફાઈલ ઇન્સ્ટોલ કરતાં જ સાયબર ઠગુઓએ તેમના મોબાઈલનું સંપૂર્ણ ડિવાઇસ કંટ્રોલ મેળવી લીધું હતું અને બેંક ખાતામાંથી કુલ રૂપિયા 6.57 લાખ ઉપાડી લીધા હતા. આ અંગે ભોગ બનનારે 1930 સાયબર હેલ્પલાઇન અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મળ્યા બાદ રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ અને ફાઇનાન્સિયલ એનાલિસિસ હાથ ધર્યું હતું. તપાસમાં બહાર આવ્યું કે આ ગેંગ પશ્ચિમ બંગાળના કોલકાતા અને કર્ણાટકના બેંગલુરુથી ઓપરેટ થઈ રહી છે. પોલીસની અલગ-અલગ ફિલ્ડ ટીમોએ પશ્ચિમ બંગાળ અને કર્ણાટક મોકલીને આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે સીસીટીવી ફૂટેજ, બેંક સ્ટેટમેન્ટ, સીડીઆર અને ફંડ ટ્રેલનું ઝીણવટભરૂર્વક વિશ્લેષણ કર્યું હતું.

આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી. આરોપીઓ મેલિશિયસ એપીકે ફાઈલ ડેવલપ કરી લોકો સુધી પહોંચાડતા અને ઇન્સ્ટોલ થતાં જ મોબાઈલનું નિયંત્રણ મેળવી બેંક ખાતામાંથી નાણાં તફડાવતા હતા. આ ફ્રોડની રકમ સીધી જ દેશના અલગ-અલગ ભાગોની નામાંકિત જ્વેલર્સ પેઢીના ક્યૂઆર કોડ પર ટ્રાન્સફર કરી શુદ્ધ સોનાના સિક્કા અને ઘરેણાં ખરીદવામાં આવતા હતા. ત્યારબાદ આ સોનું બજારમાં વેચીને રોકડા રૂપિયા મેળવી લેવાતા હતા.

આ ગુનાને અંજામ આપવામાં મુખ્ય સૂત્રધાર મોહમ્મદ દાનીશ આલમગીર રીઝવી કોલકાતાથી એપ ડેવલપર પાસે માલવેર તૈયાર કરાવતો હતો. અન્ય આરોપી તૌસિફ રઝા પોતાની મહિલા મિત્ર ઝોયા ખાન અને અય્યાઝ આલમ સાથે મળીને ખોટા આધાર કાર્ડ અને પેનકાર્ડ બનાવી કિંમતી ચીજવસ્તુઓની ખરીદી કરતો હતો તેમજ યુવતીના પ્રોફાઇલ પિક્ચર અને ઓડિયો મેસેજનો ઉપયોગ કરી ફાઈલો ફેલાવવામાં મદદ કરતો હતો. પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી 11 મોબાઇલ ફોન, 13 સોનાના સિક્કા, એક સોનાનો ચેઈન, રોકડ રૂપિયા 1.29 લાખ, 18 ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને ૭ સિમકાર્ડ સહિત કુલ રૂપિયા 18.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ ટોળકી વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય ઉપરાંત દેશભરમાં ૫૫થી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે, અને પોલીસ દ્વારા અન્ય કડીઓ મેળવવાની તજવીજ ચાલુ છે.

ઝડપાયેલા આરોપીઓમાં કોની કઇ-કઇ ભૂમિકા ?

મુખ્ય સૂત્રધાર મોહમ્મદ દાનીશ ઉર્ફે ડેનિયલ એપીકે ફાઇલોનો જાણકાર છે. સાયબર ફ્રોડ આચરવા માટેની એપની જાણકારી ધરાવતા ડેવલોપર સાથે સંપર્ક ધરાવતો હતો. તે આરોપી તૌસિફ અને ઝોયા સાથે મળી સાયબર ફ્રોડથી મેળવેલા નાણામાંથી સોનાના સિક્કા અને ઘરેણાની ખરીદી કરી તેને વેચી રોકડી કરી લેતો હતો. તેમાંથી પોતાનો હિસ્સો રાખી બાકીની રકમ અન્ય સભ્યો ઉપરાંત એપ ડેવલોપર વચ્ચે વેચી દેતો હતો. જ્યારે બીજો આરોપી મોહમ્મદ તૌસિફ તેની પ્રેમિકા ઝોયા સાથે મળી સાયબર ફ્રોડની રકમમાંથી સોનાના સિક્કા અને ઘરેણાની ખરીદી કરવા જુદા-જુદા રાજ્યોમાં જતો હતો. ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કરતા હતા. જે માટે મોહમ્મદ તૌસિફ ક્યુઆર કોડ મોકલતો હતો. ખરીદી માટે ખોટુ આઈડી પ્રૂફ પણ બતાવતા હતા. અન્યોના નામે બીલો બનાવડાવતા હતા. મોહમ્મદ દાનિશના કોલ સેન્ટર જેવા ફલેટમાં જરૂર જણાય તો ડોક્યુમેન્ટસને એડીટ પણ કરતા હતા.

જુદા-જુદા 19 પ્રકારની એપીકે ફાઇલ બનાવી ઠગાઇ કરતી હતી

ઝડપાયેલી ટોળકી લગ્નના આમંત્રણની, સેક્સી ગર્લને લગતી, વેડિંગ વીડિયો, સેક્સી વીડિયો કોલ, બેંકને લગતી ઉપરાંત હેલ્પલાઇનને લગતી જુદી-જુદી 19 પ્રકારની એપીકે ફાઇલ બનાવી સાયબર ફ્રોડ કરતી હતી. આ તમામ એપીકે ફાઇલના નમૂના સાયબર ક્રાઇમ પોલીસે કબજે કર્યાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande