વિંઝાણ નદીપટે ખનિજ માફિયાઓ સામે તંત્રનો સપાટો! રાત્રે ત્રણ કલાક વોચ બાદ રૂ. 30 લાખનાં લોડર-ડમ્પર જપ્ત
અબડાસામાં ગેરકાયદે સાદી રેતીના ખનન અને વહનનો પર્દાફાશ; ખાનગી વાહનમાં પહોંચેલી ખાણ-ખનિજ વિભાગની ટીમની ગુપ્ત કાર્યવાહીએ ખનનકારોમાં ફફડાટ કચ્છ, 28 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં કુદરતી ખનિજ સંપત્તિનું ગેરકાયદેસર ખનન કરી સરકારી નિયમો
વીંઝાણ ખાતે રેતી ચોરી સામે કાર્યવાહી


વીંઝાણ ખાતે રેતી ચોરી સામે કાર્યવાહી


અબડાસામાં ગેરકાયદે સાદી રેતીના ખનન અને વહનનો પર્દાફાશ; ખાનગી વાહનમાં પહોંચેલી ખાણ-ખનિજ વિભાગની ટીમની ગુપ્ત કાર્યવાહીએ ખનનકારોમાં ફફડાટ

કચ્છ, 28 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં કુદરતી ખનિજ સંપત્તિનું ગેરકાયદેસર ખનન કરી સરકારી નિયમોનો ભંગ કરનાર તત્ત્વો સામે ખાણ-ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. વિંઝાણ ગામ નજીકના નદીપટ વિસ્તારમાં સાદી રેતીના ગેરકાયદેસર ખનન અને વહન સામે તંત્રએ ગુપ્ત રીતે કાર્યવાહી કરીને એક લોડર અને એક ડમ્પર જપ્ત કર્યાં છે. જપ્ત કરાયેલાં બંને વાહનો સહિતના મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 30 લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીને પગલે ખનિજ સંપત્તિની ચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વિંઝાણ નદીપટ વિસ્તારમાં નિયમોની વિરુદ્ધ સાદી રેતીનું ખનન કરવામાં આવતું હોવાની માહિતી ખાણ-ખનિજ વિભાગની તપાસ ટીમને મળી હતી. આ માહિતીના આધારે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ અને ભૂસ્તરશાસ્ત્રી ડી. એસ. બારિયાના નેતૃત્વમાં વિભાગની ટીમે કાર્યવાહીનું આયોજન કર્યું હતું. ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા લોકોને કાર્યવાહી અંગે અગાઉથી જાણ ન થઈ જાય અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ જાણી શકાય તે માટે ટીમ ખાનગી વાહન મારફતે વિસ્તારમાં પહોંચી હતી.

ત્યારબાદ રાત્રિના સમયે અધિકારીઓએ સ્થળ પર આશરે ત્રણ કલાક સુધી સતત વોચ ગોઠવી હતી. આ દરમિયાન નદીપટ વિસ્તારમાં સાદી રેતીનું ખનન અને તેનું વહન થતું હોવાનું સામે આવતાં ટીમે તાત્કાલિક પગલાં લીધાં હતાં. સ્થળ પરથી ખનન પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતું એક લોડર અને રેતીના વહન માટેનું એક ડમ્પર કબજે કરવામાં આવ્યું હતું. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં બંને વાહનો જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કબજામાં લેવામાં આવ્યાં હતાં.

જપ્ત કરાયેલાં લોડર અને ડમ્પરને કોઠારા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે. સમગ્ર મામલે લાગુ પડતા કાયદાકીય નિયમો અનુસાર ભૂસ્તરશાસ્ત્રી દ્વારા દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે, આ પ્રકરણમાં આગળની તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ અંતિમ વિગતો સ્પષ્ટ થશે.

ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદેસર ખનન, ખનિજના અનધિકૃત વહન અને સંગ્રહ સામે દેખરેખ વધુ સઘન રાખવાનો સંકેત આપ્યો છે. કુદરતી સંપત્તિનું રક્ષણ કરવા અને સરકારી નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા આગામી દિવસોમાં પણ આકસ્મિક તપાસ તથા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande